• મંગળવાર, 03 માર્ચ, 2026

સમરસતાથી અખંડ ભારતનું નિર્માણ

રાયધણપર (તા. ભુજ), તા. 2 : નાત-જાતના ભેદ મિટાવી સમગ્ર હિન્દુ સમાજ એક છત્ર નીચે મજબૂત બની રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે, તેવી હાકલ સાથે રાયધણપર ખાતે હિન્દુ સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં જનસમૂહ ઉપસ્થિત રહ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં યોજાઇ રહેલા હિન્દુ સંમેલનોના ભાગરૂપે રાયધણપર ખાતે યોજાયેલા હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના સેવા પ્રમુખ રામજીભાઇ વીરાએ જણાવ્યું કે, હિન્દુ સમાજ સૌને સાથે રાખીને ચાલવામાં માને છે. સમરસતાથી આપણે સૌએ અખંડ ભારતનું નિર્માણ કરવાનું છે. તેમણે પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ સહિતની વિવિધ બાબતો ઉપર પોતાના વિચારો રજૂ કરી અન્ય કોઇને ધ્યાનમાં લીધા વિના આપણી લીટી મોટી કરવાની જરૂર છે. રુદ્રાણી જાગીરના મહંત લાલગિરિબાપુએ કહ્યું કે, પશ્ચિમી સંસ્કૃતિ ભલે માણો, પણ આપણી સંસ્કૃતિને જાળવજો. કથાકાર હિતેશભાઇ જોષી (પદ્ધર)એ રાયધણપર ખાતે આયોજિત હિન્દુ સંમેલનને સંબોધન કરી સમાજ શાત્ર અને શત્ર બંનેમાં પારંગત રહે તે સમયની માંગ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન અટલનગરના હરિભાઇ ગોપાલભાઇ ગાગલે સંભાળ્યું હતું અને તેમના હસ્તે સંતગણ તથા મુખ્ય વક્તાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમિતિના મંત્રી હરેશભાઇ કેરાસિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સંમેલનનો ઉદ્દેશ સમજાવ્યો હતો. આ સંમેલનમાં આદિતિ ગાગલ, જિયા બરાડિયા, દીપાલી બરાડિયા, છાયા ગાગલે સ્ટેજ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાયધણપર મંડલના રાયધણપર, ગળપાદર, ઝીંકડી, મોટા વરનોરા, અટલનગર, ચપરેડી, ત્રાયા, ત્રંબૌ, નાગોર, સરસપર ગામમાંથી મોટી સંખ્યામાં જનસમૂહ જોડાયો હતો. રાયધણપર મંડલના સ્વયંસેવકોએ આયોજન-વ્યવસ્થા સંભાળ્યા હતા.

Panchang

dd