• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

શિયાળો ન જામતાં ગરમ વસ્ત્રો અને વસાણાની બજાર ઠંડી

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 18 : હજુ શિયાળો ન જામતાં ઠંડી સંલગ્ન વસ્તુઓના વેપારીઓના ચહેરા ઉદાશ બન્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં કડાકાભરી ઠંડી અનુભવાતી હોય છે, જેના કારણે લોકો ગરમ વસ્ત્રો અને શિયાળામાં વિશેષ ઉપભોગમાં લેવાતી ખાદ્યવસ્તુઓ તરફ આકર્ષાય છે, પરંતુ આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં વધુ રહેતાં શિયાળાનો અહેસાસ ન થતાં હવામાનમાં આવેલાં આ પરિવર્તનની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે.  સ્વેટર, ગરમ શાલ, જેકેટનાં વેચાણમાં મંદી તેમજ અડદિયા, ગુંદરપાક અને કચરીયું જેવી પરંપરાગત શિયાળુ મીઠાઈઓનાં વેચાણમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જો આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ નહીં વધે, તો વેપારીઓને મોટું નુકસાન સહન કરવું પડી શકે તેવી ભીતિ ધંધાર્થીઓએ વ્યક્ત કરી હતી. - ગરમ વસ્ત્રોનાં વેચાણમાં નોંધપાત્ર ઘટાડો : સ્વેટર, જેકેટ, કોટ, શાલ, મફલર, ઉની કપડાં જેવાં ગરમ વસ્ત્રોની માંગમાં આ વર્ષે ભારે ઘટાડો નોંધાયો છે. ભુજની જૂની શાકમાર્કેટમાં વર્ષોની પેઢી ચલાવતા નવીનભાઈ ત્રેવાડિયા જણાવે છે કે, ગયા વર્ષની સરખામણીએ ગ્રાહકોની ખરીદી શક્તિ હોવા છતાં ઠંડી ન હોવાથી લોકો નાની નાની આઈટમો જેમ કે મફલર, સ્કાફ વિ. ખરીદી રહ્યા છે, પરંતુ હજી ઠંડીના અભાવે જરૂરિયાત ન હોવાથી સ્વેટર, જેકેટ, શાલ, ધાબળા જેવી ખરીદી ટાળી રહ્યા છે. ઓનલાઇન અને હરિફાઇના યુગમાં નફાનું ધોરણ પણ નજીવું રાખવા છતાં વેપાર જામ્યો નથી. પરિણામે દુકાનોમાં સ્ટોક પડયો રહ્યો છે, જેના કારણે  ચિંતા વધી છે. દર વર્ષની સરખામણીએ પર્યટકો પણ ઓછા છે. - સ્થાનિક વેપારીઓ ચિંતિત : માર્કેટમાં ગરમ વસ્ત્રો વેચતા વેપારીઓ કહે છે કે, સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં વેચાણનો પીક સમય હોય છે, પરંતુ આ વર્ષે તાપમાનમાં ઘટાડો ન થતાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. છઠ્ઠીબારી રિંગરોડ પરના વેપારી ચંદ્રેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે આ સમયગાળામાં વેચાણ સારું હતું, પરંતુ આ વખતે હજુ ઠંડી જ પડી નથી તો લોકો ગરમ વસ્ત્રો ખરીદવા આવતા જ નથી. સિઝનનો સરેરાશ 20થી 30 ટકા જેટલો વેપાર હોવાનું જણાવ્યું હતું. થર્મલમાં પહેલાં સ્લોટમાં મંગાવેલો માલ પણ હજુ વેચાયો ન હોવાનું ઉમેર્યું હતું. આમ, નાના વેપારીઓ માટે આ સ્થિતિ મુશ્કેલ બની છે. વેપારીઓએ આગોતરા અંદાજના આધારે સ્ટોક તૈયાર કર્યો છે, પરંતુ બજારમાં ચહલપહલ ન રહેતાં વેપાર ઠપ થતો જોવા મળે છે. કેટલાક વેપારીઓ ડિસ્કાઉન્ટ આપી વેચાણ વધારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ફૂટપાથ પર લાગતી તિબેટિયન બજારથી લઈને મોટા શોરૂમ સુધી દરેક જગ્યાએ ગ્રાહકોના અભાવે ગરમ કપડાંનો સ્ટોક એમ ને એમ પડયો છે. સવાર-સાંજ સામાન્ય ઠંડી હોવાથી લોકો હજુ જૂનાં સ્વેટરથી કામ ચલાવી રહ્યાં છે, પરિણામે નવા કપડાંની ખરીદીમાં ઓટ આવી છે. - આગામી દિવસોમાં ગ્રાહકો આવે તેવી આશા : હવામાન વિભાગના અનુમાન મુજબ, ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ઠંડી વધી શકે છે, પરંતુ તે પણ હળવી જ રહેશે. વેપારીઓને હજુ પણ આશા છે કે જો આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે, તો બજારમાં ફરીથી રોનક આવશે. હાલ તો ઠંડીના અભાવે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે વેપારીઓ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી રહ્યો છે. - વસાણા બજારમાં સુસ્તી : અડદિયા-કચરિયાના ગ્રાહકો ઘટયા : શિયાળો એટલે વસાણાની ઋતુ. દર વર્ષે આ સમયે મીઠાઈની દુકાનોમાં અડદિયા, ગુંદરપાક, મેથીપાક અને કચરિયાની ભારે માંગ રહેતી હોય છે. જો કે, આ વર્ષે ગરમીના મિશ્ર અનુભવને કારણે લોકો આ ભારે ખોરાક લેવાનું ટાળી રહ્યા છે. 75 વર્ષથી નાગર ચકલામાં મીઠાઈના વેપારી દીપકભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વસાણાનાં વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પર્યટકો દ્વારા ખરીદી સારી છે, પરંતુ સ્થાનિક ગ્રાહકો ઓછા છે. શિયાળાની ઓળખ ગણાતા અડદિયાનું વેચાણ પણ આ વર્ષે અપેક્ષા મુજબ નથી. સામાન્ય રીતે ઠંડીના દિવસોમાં શરીરને ગરમી આપતી મીઠાઈ તરીકે અડદિયાની વિશેષ માંગ રહેતી હોય છે. તો બીજી તરફ ભુજના જૂના ધાટિયા ફળિયામાં આવેલી મિષ્ટાન-ફરસાણની પેઢી ચલાવતા વેપારી દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું કે, કચ્છના લોકો શિયાળુ પાકના એટલા શોખીન છે કે ઠંડી વગર પણ અડદિયા, ગુંદરપાક બજારમાં આવતા જ ખોરાકમાં ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આમ વસાણાની બજારમાં ગ્રાહકોનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.  

Panchang

dd