• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

સુપ્રીમનો આકરો સંકેત ચૂંટણીપંચની બહુમતી વિના લેવાયેલા નિર્ણયો પર રોક મુકાશે

નવી દિલ્હી, તા. પ : ચૂંટણીપંચમાં આંતરિક મતભેદો, મનસ્વી નિર્ણય અને કામકાજની પદ્ધતિ મુદ્દે દેશમાં ચાલી રહેલાં વિરોધી આંદોલનો વચ્ચે સોમવારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અને આમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં કામ ઉપર વચગાળાની રોક મૂકવા કે તેમને સસ્પેન્ડ કરવાની માગણી ઉપર અદાલતે કોઈ પણ આદેશ જારી કરવાનું નકારી દીધું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને એક સપ્તાહની અંદર જવાબ પણ માગ્યો હતો. જો ચૂંટણીપંચના નિર્ણયો સર્વાનુમતે કે બહુમતથી લેવાયા ન હોવાનું સામે આવશે, તો અદાલતે તેની સામે રોક લગાડવા કે રદ કરવાની તૈયારીનો સંકેત પણ આપી દીધો હતો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.મોહનાની પીઠે આજે સુનાવણી દરમિયાન એક મોટી અને અત્યંત મહત્ત્વની ટિપ્પણી કરતાં એવું પણ કહ્યું હતું કે, જો ચૂંટણીપંચના નિર્ણયો સર્વસંમતિથી લેવાયા ન હોય, તો તેનાં ઉપર રોક લાગવી જોઈએ. આ ઉપરાંત સીજેઆઇએ અખબારના અહેવાલમાં ચૂંટણીપંચની કામગીરીને લઈને થયેલા ઘટસ્ફોટ મુદ્દે પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, આ અહેવાલ 100 ટકા સાચો કે આંશિક રીતે સાચો કે ખોટો પણ. હોઈ શકે છે. આજે ફક્ત આવા અખબારી હેવાલ ઉપર આધાર રાખીને અદાલત કોઈ આદેશ આપી શકે નહીં. કોર્ટ આમાં ચૂંટણીપંચનો જવાબ પણ જાણવા માગશે. કોર્ટને અધિકૃત જાણકારી જોઈએ. સુપ્રીમ કોર્ટ ચૂંટણીપંચના નિર્ણયોનું પરીક્ષણ કરશે. અદાલતે આટલેથી નહીં અટકતા સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, જો પંચના નિર્ણય સર્વાનુમતે કે બહુમતથી લેવાયા ન હોવાનું ધ્યાને આવશે, તો આવા તમામ આદેશ ઉપર રોક લાગી શકે છે. જો કે, તમામ નિર્ણય મનસ્વી ઢબે જ લેવાયા હોવાનું એકતરફ તારણ પણ અદાલત કાઢી શકે નહીં. અદાલતે પ્રમાણિત કરવું પડશે કે, પંચના નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યા હતા. અમે ગાડીને ઘોડાની આગળ જોડી ન શકીએ. આ સાથે જ કોર્ટે સીઇસી જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવા માટે વચગાળાનો કોઈ આદેશ આપવાનું નકારી દીધું હતું. સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) અને ચૂંટણી કમિશનર (ઈસી)ને અભિયોજન સામે મળેલાં આજીવન રક્ષણની વૈધતાને ચકાસવા માટે પણ સહમતી દેખાડી દીધી છે. કોર્ટ આ સાથે જ સીઇસીએ ચૂંટણી સંચાલન સંબંધિત નિર્ણય એકતરફી લીધા હોવાનું પણ તપાસી જશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd