માંડવી, તા. 5 : રક્તસેવક બાઇક રાઇડ 2026 અંતર્ગત યુવાનોએ `મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા'ના પ્રચાર
પ્રસાર માટે 31/10 સુધી માસ
દરમ્યાન દસ યુવાન દ્વારા બાઇક- રેલીથી ગુજરાતના 34 જિલ્લામાં પ્રવાસ માટે પ્રસ્થાન કરાયું છે. ડો. મિતેષભાઇએ રક્ત
માટે જનજાગૃતિનું અભિયાન છેડયું હોવાનું જણાવી આપણું બ્લડ ગ્રુપ કયું છે તેની દરેકે
માહિતી રાખવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. કચ્છમાં 2025માં 34 હજાર લોકોએ રક્તદાન કર્યું
હોવાનું જણાવતા વધુમાં વધુ અને નિયમિત રક્તદાન કરવા તેમજ ગુજરાતની રક્તદાનની એપ્લીકેશનનો
ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. સામતસિંહભાઇ સોઢાએ બ્લડ બેન્કની ઉપયોગિતા અને તેના ફાયદાઓ
વિસ્તારથી સમજાવ્યા હતા. માંડવીના મુકેશભાઇ ત્રિવેદીએ 139 વખત રક્તદાન કર્યાની માહિતીથી
રક્તસેવકોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. માંડવીમાં રક્તસેવકોની બાઇક-રેલી પહોંચતા
સ્વાગત કરાયું હતું. મયૂર બ્લડ બેન્ક પરિવાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જૈનપુરી
ખાતે ડો. આદિત્ય ચંદારાણા, ધર્મેન્દ્રભાઇ
પટેલ, જીલુભા જાડેજા તથા ચંદુભા જાડેજા, રાજેન્દ્રભાઇ જાડેજા, નરેનભાઇ સોની, દેવરાજભાઇ ગઢવી, ડો. મહેશભાઇ મીરજાન્દ, નરેનભાઇ સોની, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બાઇક રાઇડર
ધરમભાઇએ 122 વખત રક્તદાન
કર્યાનું જણાવ્યું હતું. સંચાલન મદનસિંહભાઇ ચાવડાએ કર્યું હતું.