હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 5 : નવરાત્રિનું મુખ્ય કેન્દ્રબિંદુ
એટલે જગતજનની આદ્યશક્તિનું પ્રતીક ગણાતો ગરબો - માટીનો કાણાવાળો ઘડો, જેમાં દીવો પ્રગટાવીને માતાજીની સ્થાપના થાય.
એક સમય હતો, જ્યારે ઘરમાં જ માટીના ગરબા પર કંકુ, ચોખા અને છીપલા કે ચોકથી સાદી ડિઝાઈન બનાવીને ગરબાને સજાવવામાં આવતો.
સમય અને પરિવર્તન
ધીમે-ધીમે બજારમાં ચમકીલા વોટર કલરથી રંગેલા ગરબા મળવાના શરૂ
થયા, જ્યારે આજે પણ ઘણા ઘરોમાં ઘરની મહિલા-દીકરીઓ
દ્વારા જાતે ગરબો સજાવવામાં આવે છે, પરંતુ સમયની વ્યસ્તતાને ધ્યાનમાં
લઈને હવે હાલમાં ભાવિકો તૈયાર ડિઝાઈનવાળો ગરબો ખરીદવાને બદલે પોતાની પસંદગી મુજબનો
કસ્ટમાઈઝ્ડ ગરબો ઓર્ડરથી બનાવાનું પસંદ કરી રહ્યા છે.
ઈકોફ્રેન્ડલી સજાવટ
ભુજના ખુશ્બૂ ગોર છેલ્લા ચાર વર્ષથી ગ્રાહકની માંગ મુજબ પ્રિન્ટેડ
અને મિરરવર્કવાળા રૂા. 300થી 350ની રેન્જમાં વિવિધ કલર-ડિઝાઈન
સાથે ગરબા સજાવી આપે છે. તે કાચી માટીના ઈકોફ્રેન્ડલી ગરબા તથા પાણીમાં ઓગળી જાય તેવા
રંગોનો ઉપયોગ કરે છે તેમ જણાવ્યું હતું.
માતાજીના મુખવાળા શણગાર
દીપાલીબેન જણાવે છે કે, મહિલાઓમા મૂળભૂત રીતે લાલ, સફેદ, પીળા રંગના ગરબાની પસંદગી વધુ જોવા મળે છે, જ્યારે નવી
પેઢી વાયબ્રન્ટ કલર તેમજ આશાપુરા માતાજીના મુખવાળા ગરબાના ઓર્ડર આપે છે. બાકી ઓર્ડરમાં
સાથિયાવાળા લાલ-સફેદ રંગના ગરબા વિથ મિરરની માંગ વધુ છે. બાંધણી પ્રિન્ટવાળા ગરબા પણ
ટ્રેન્ડમાં હોવાનું ઉમેર્યું હતું.
પૌરાણિક 27 છીદ્રવાળા
ગરબા
છેલ્લા પાંચ વર્ષથી અંજાર ઊપરાંત ભુજ, મુંદરા, ગાંધીધામ,
માંડવી સહિત સમગ્ર કચ્છમાં ઓર્ડર મુજબ વિવિધ પ્રકારના ગરબા સજાવટ કરી
આપતા આરતીબેન ચાવડા કહે છે કે, પરંપરાગત - પૌરાણિક 27 છીદ્રવાળા માટીના ગરબા પર સજાવટ
તેમજ લાલ રંગની થીમવાળા ગરબાની માંગ વધુ છે. નિયાણીઓ માટે નાના ગરબા 100 રૂા.થી માંડીને, તો બેથી અઢી ફૂટના ગરબી મંડળો માટે ગરબા પણ
બનાવી આપે છે જેની કિંમત 3500 સુધીની રહે
છે.
રોજગારીની નવી તકો
ગરબા ડેકોરેશનના આ ટ્રેન્ડથી સ્થાનિક કારીગરો અને ખાસ કરીને
મહિલાઓને ઘરબેઠા રોજગારી તેમજ કળાને વિકસાવવા તક પણ મળી રહી છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી
હોમ-બેઝ્ડ આર્ટિસ્ટ્સ પોતાના કસ્ટમાઈઝ્ડ ગરબા ડિઝાઈન્સ પ્રદર્શિત કરી પ્રિ-ઓર્ડર મેળવે
છે.
નવ સાઈઝમાં ગરબા
નવરાત્રિ પૂર્વે છ માસ પહેલાંથી જ ગરબાના ઉત્પાદનની શરૂઆત કરી
દેતાં રહીમ ઈબ્રાહિમ કુંભાર ચાર પેઢીથી માટીકામ
વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જણાવે છે સુરત, રાજકોટ, અમદાવાદ અને મુંબઈ
સુધી ગરબા મોકલવામાં આવે છે. તેઓ નવ સાઈઝમાં ગરબા તૈયાર કરે છે, જેમાં અખંડ ગરબાના આકારમાં પણ વિશેષતા-વિવિધતા જોવા મળે છે. સાદા સફેદ ગરબા
ફક્ત ભુજમાં માંગ રહે છે. બાકી અન્ય શહેરોમાં રંગબેરંગી-આકર્ષક ડિઝાઈનવાળા રંગેલા ગરબાની
માંગ વધુ રહે છે. ચીકણી માટીના ભાવવધારાને કારણે પડતર કિંમત વધી જવાથી નફાનું ધોરણ
નજીવું રહેતું હોવાનું કહ્યું હતું.
પ્રિન્ટેડ, એલ્યુમિનિયમ
દાંડિયા
ભુજની શરાફ બજારમાં છેલ્લા 35 વર્ષથી દાંડિયાનું વેચાણ કરતા જુસર હાતીમભાઈ જમાદીએ જણાવ્યું
હતું કે, ગરબી મંડળો દ્વારા સાદા લાકડાંના દાંડિયાની
ખરીદી કરાય છે, જ્યારે બાળકો તેમજ યુવાઓમાં રંગબેરંગી પ્રિન્ટવાળા,
એલ્યુમિનિયમ તથા કાપડ ચડાવેલા વૂડન દાંડિયાની માંગ છે. ભાવમાં આ વર્ષે
વધારો નહિવત હોવાનું ઉમેર્યું હતું.
કોમી એકતા
ગરબા અને દાંડિયા બનાવવાનું કામ મુસ્લિમ કારીગરો કરે છે અને
આ બન્ને વસ્તુઓ એવી છે કે, જ્યાં હિન્દુ
ધર્મની લાગણી જોડાયેલી છે. ગરબો પણ માતાજી સમક્ષ રાખવામાં આવે છે, જ્યારે દાંડિયાથી માના ચાચરચોકમાં ખેલૈયાઓ રમે છે. હવે કચ્છની અહીં કોમી એકતાની
સુવાસ પણ ફેલાતી હોય છે. ડેકોરેશન ગમે તેટલું આધુનિક કે કસ્ટમાઈઝ્ડ થાય પરંતુ તેનો
આત્મા એટલે કે, માટીનો ઘડો અને તેની અંદર પ્રગટતો અખંડ દીવો અપરિવર્તિત
છે. ગરબાનું ધાર્મિક મહત્ત્વ અને માટીની સુવાસ એ જ પવિત્રતાનો અહેસાસ કરાવે છે.