ગઢશીશા, તા. 5 : સમગ્ર કચ્છ જિલ્લામાં યોજાતા
ધાર્મિક સ્પર્ધાના મેળાની એક અલગ જ પરંપરા અને આસ્થા લાખો હિન્દુ-મુસ્લિમ સમાજ સાથે
જોડાયેલી છે અને સમયાંતરે આધુનિકતાનો રંગ તો લાગે છે, પણ આ પરંપરા અને આસ્થા અને ગરીમા આજે પણ અખંડ
છે. જેમાંનો એક મોટો મેળો ગઢશીશા ખાતે આવેલ અબ્દુલા શા કાદરી (ઉર્ફે ભુઠ્ઠીપીર)નાં
મેળો લગભગ ત્રણ દિવસ ચાલે છે અને તેને માણવા
માટે સમગ્ર કચ્છ - બૃહદ કચ્છના લોકો ઊમટે છે. આ મેળાની અનેક એવી પૂર્વજોની પરંપરા છે
જે હજી પણ અખંડ રહી છે. આવી જ એક પરંપરા જખી ફઈની છે. ભુઠ્ઠીપીર મેળા સમિતિ તથા સંધિ
સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આ મેળાનું આયોજન સુચારુ રીતે કરાય છે, જેમાં ગઢશીશા-ઘોડાલખ જૂથ ગ્રામ પંચાયત પણ સતત સહભાગી રહી છે, તો પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, વીજતંત્ર, સાર્વજનિક પાણી પુરવઠા ટ્રસ્ટ, અંબિકા ચંદ્ર નિકેતન ટ્રસ્ટ જેવી ગામની
અન્ય સંસ્થા પણ સતત સહયોગી રહી છે. આ મેળાની એક અનોખી પરંપરા એ છે કે, અહીં મેળાના પ્રારંભે પીર બાબાને ચાદરપોશી કરાય છે જે વર્ષો પૂર્વે ગામના જ
દીકરી `જખીફઈ'
દ્વારા ચઢાવાતી અને આ પરંપરા આજે તેમના માવિત્ર પક્ષના સ્વ. પ્રભાશંકર
ગોવિંદજી જોશી પરિવારે અખંડ રાખી છે. તેમના નિવાસસ્થાનેથી `સંદલ'
નીકળે છે અને પીરવાળાને પ્રથમ ચાદરપોશી થાય છે. વીનેશ દામોદરગિરિ ગોસ્વામી
પરિવાર દ્વારા પણ થોડા વર્ષોથી આ પરંપરામાં જોડાયા છે, તો ગામના
અન્ય હિન્દુ-મુસ્લિમ દ્વારા પણ ગુલપોશીની ચાદર ચઢાવાય છે. જેને ચંદુ મા દ્વારા વધામણા
કરાય છે. ચાલુ સાલે મુંબઈના જાણીતા કવ્વાલ અમાન અફજલ સાબરી અને અદનાન નાઝાનાં ભવ્ય
કવ્વાલી મુકાબલો પણ જામ્યો હતો. મેળામાં ખાણી-પીણીનાં સ્ટોલ સાથે મનોરંજન માટે ચકડોળ
તથા અન્ય કટલેરી અને ઘરવપરાશ માટે ચીજ-વસ્તુના સ્ટોલો મોટી સંખ્યામાં લાગ્યા છે. સોમવારે
સવારથી મેળો જામ્યો હતો, તો બપોરના ભાગે કચ્છી બખ મલાખડોની સ્પર્ધાનું
આયોજન કરાયું હતું. મંગળવારે બહેનો માટે મેળાનું ખાસ આયોજન કરાયું છે. દાયકાઓથી યોજાતા
આ મેળાનો વ્યાપ વર્ષેવર્ષ વિસ્તરી રહ્યો છે. ચંદુમા દ્વારા મેળાના ધંધાર્થીઓ માટે ભોજનનું
વિતરણ કરાયું હતું, તો સરપંચ કોમલબેન ગોસ્વામી તથા પંચાયત ટીમે
તમામ વહીવટી ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.