નવી દિલ્હી, તા. 20 : ચા કરતાં કીટલી ગરમ કહેવત હવે બદલીને ભાવનાં સંદર્ભમાં
ચા કરતાં ખાંડ ગરમ કરી નાખવી પડે તેવી હાલત છે. રક્ષાબંધન, ગણેશોત્સવ, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો પૂર્વે જ ખાંડના ભાવમાં આગ લાગી ગઈ છે
અને ભાવ રૂા. 65 સુધી પહોંચી ગયા છે ત્યારે સરકારે ખાંડનાં વધેલા ભાવને કાબૂમાં રાખવાનાં પગલા ભરવાં
માંડયા છે. જેમાં જથ્થાબંધ વપરાશકારો માટે 1પ દિવસની સ્ટોક મર્યાદા નાખી દેવામાં આવી છે.
દરમ્યાન ભારતમાં ખાંડના ભાવમાં સતત થઈ રહેલા તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર
સરકારે એક મોટો નિર્ણય લીધો છે. લગભગ એક દાયકામાં પહેલીવાર સરકારે કાચી ખાંડની આયાતનો
માર્ગ ખોલ્યો છે. આ અંતર્ગત 31 ઓક્ટોબર, 2026 સુધી કસ્ટમ ડ્યૂટી વિના મહત્તમ 1 મિલિયન મેટ્રિક ટન કાચી ખાંડ આયાત કરી શકાશે.
સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં ખાંડના પુરવઠા પર દબાણ વધી રહ્યું
છે અને છેલ્લા બે મહિનામાં સ્થાનિક ખાંડના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં ભાવમાં થયેલા વધારાથી સરકાર
અને સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. દેશનાં અનેક ભાગોમાં ખાંડનો ભાવ 65 રૂપિયા થઈ ગયો છે. તહેવારો માથે છે ત્યારે તેનો વપરાશ વધવાનું નિશ્ચિત છે અને તેનાં
હિસાબે ખાંડનાં ભાવ બેકાબૂ બનવાની ભીતિ છે, જેને કાબૂમાં રાખવા માટે સરકાર અત્યારથી જ કમર કસવા માંડી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે ખાંડની કિંમત રૂા. 45ની આસપાસ હતી. કેન્દ્ર સરકારે ખાંડ મિલો પાસેથી 17, 18 અને 19 ઓગસ્ટ 2026ના થયેલા ખાંડનાં વેપારનો સમગ્ર ચિતાર માગ્યો છે. ખાંડ મિલોએ પ્રત્યેક સોદામાં
કેટલો માલ, ક્યાં ભાવે
વેચાયો તેની જાણકારી આપવાની થશે. સરકારનાં નિર્દેશ અનુસાર 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધીમાં જે ગ્રાહક કે ડીલર મહિનામાં 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કરે છે તે હવે ફક્ત 15 દિવસનો જ જથ્થો સંગ્રહ કરી શકશે.
સુવર્ણના ભાવ ત્રણ માસની સર્વોચ્ચ સપાટીએ
નવી દિલ્હી/ભુજ, તા. 20 : વૈશ્વિક પરિબળોને પગલે સોનાં-ચાંદીની ંિકંમતોમાં ભારે ઉછાળો નોંધાયો છે. દિલ્હીમાં
સોનાંની કિંમત 4,300 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1.62 લાખ રૂપિયાની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી
ગઈ હતી, જ્યારે નબળા અમેરિકન ડોલર વચ્ચે
રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ વળ્યા હોવાથી ચાંદીમાં 10,000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતી પીળી ધાતુનો ભાવ 4,300 રૂપિયા વધીને 1,62,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયો છે. બુધવારે તે 1,58,000
રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ કિંમતી ધાતુ છેલ્લે 26 મેના સમાન સ્તરે જોવા મળી હતી, જ્યારે તેનો ભાવ 1,62,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીના ભાવમાં તેજી જોવા મળી, જે સાત અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર
પર પહોંચી રૂા. 2,35,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી. દરમ્યાન કચ્છની
બજારમાં પણ સોનાંમાં 10 ગ્રામે લગભગ રૂા. 2700નો અને ચાંદીમાં કિલોએ રૂા. 9800નો મોટો વધારો થયો હતો.