નવી દિલ્હી, તા. 8 : પાકિસ્તાન
સામે સંબંધોમાં તીવ્ર તાણ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતનાં એક
નિવેદને ભારે ચર્ચા જગાવી છે. સંઘ સુપ્રીમોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના લોકો પૂરાં દિલથી ભારતીયોના દુશ્મન
નથી. સ્થાયી શત્રુતા કે નફરત કોઇ સમસ્યાનું સમાધાન નથી, તેવું
મુંબઇમાં ઇન્ડિયાસ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સની 15મી વર્ષગાંઠ નિમિત્તે સમારોહમાં ભાગવતે
કહ્યું હતું. સંઘર્ષનાં કારણે સંબંધ હંમેશાં માટે ખતમ થવા ન જોઇએ. ચીનના લોકો પણ કહે
છે કે, બે હજાર વર્ષ સુધી ભારતે તેમને મૂલ્ય આપ્યાં
છે. ભાગવતે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પણ 100 વર્ષ પહેલાં સુધી તો ભારતનો
જ ભાગ હતું. એ ઐતિહાસિક હકીકતને આપણે ભૂલી ન શકીએ. સંઘ સુપ્રીમો બોલ્યા હતા કે ટકરાવ ખતમ થયા પછી આપણે ત્યાંથી જ શરૂઆત કરવાની
થશે જ્યાંથી છોડયું હતું. ભાગવતે ભારત અને પાકિસ્તાનના સામાન્ય લોકો વચ્ચે સંબંધો પર
ભાર મૂકતાં કહ્યું હતું કે, બે દેશ વચ્ચે
તાણ મુખ્યરૂપે રાજકીય પરિસ્થિતિઓનાં કારણે જ છે. એવું નથી કે પાકિસ્તાનીઓ ભારતીયોના
દિલથી દુશ્મન છે કે ભારતીયો તેવા છે. ટકરાવ સમાપ્ત થતાં જ આપણે ફરી એક થવું પડશે તેવું
ભાગવત બોલ્યા હતા.