વોશિંગ્ટન / તેહરાન, તા. 8 : 38 દિવસથી
જંગે ચડેલા અને દુનિયાભરનાં અર્થતંત્રને સખળડખળ કરી નાખનાર અમેરિકા અને ઈરાન વચ્ચે
આખરે બે સપ્તાહ માટે યુદ્ધવિરામની સહમતિ સધાતાં વિશ્વભરને હાશકારો થયો હતો. જો કે, આ યુદ્ધવિરામ લાંબો ટકે તેવા એંધાણ દેખાતા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન શત્રવિરામ માટે કરગર્યું હતું,
જ્યારે લેબેનોન પર ઈઝરાયલના હુમલાથી નારાજ ઈરાને કહ્યું છે કે,
હોર્મુઝની ખાડી હજી પણ પરવાનગી વિના કોઈ જહાજ ઘૂસ્યું તો તોડી પાડશું.
ઈરાને હોર્મુઝમાં એક તેલ ટેન્કર પણ અટકાવી દીધું છે અને કહ્યું છે કે, ઈઝરાયલ હુમલા કરશે તો અમેરિકાથી બદલો લેશું. બીજી તરફ અમેરિકાના ટોચના જનરલ
ડેન કેઈને કહ્યું છે કે, જો ઈરાન યુદ્ધવિરામનો અંત લાવશે,
તો અમેરિકા તૈયાર છે. કામચલાઉ યુદ્ધવિરામને વિશ્વભરના દેશોએ આવકાર આપ્યો
છે અને ક્રૂડ તેલના ભાવ ઘટીને 90 ડોલર થઈ ગયા હતા. શેરબજારોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
જો કે, શત્રોને વિરામ આપવાની જાહેરાત પછી ઈરાનના બે
ટાપુ પર હુમલા થયા છે. લાવાન દ્વીપ પર તેલ રિફાઈનરીમાં મોટો ધડાકો થયો છે, બીજીતરફ સાઉદી અરબની તેલ પાઈપલાઈન પર ડ્રોન હુમલો થયો છે. યુદ્ધવિરામની મધ્યસ્થીમાં
પાકિસ્તાન અને ચીન મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાના અહેવાલ છે. જો કે, ઈઝરાયલે સ્પષ્ટ કર્યું હતું કે, લેબેનોન પર હુમલા જારી
રહેશે. બંને તરફ નાના-મોટા હુમલા જારી રહેતાં યુદ્ધવિરામ ગમે ત્યારે તૂટી જાય તેવી
દહેશત છે. ઈરાનને આપવામાં આવેલા અલ્ટીમેટમનાં આગલા દિવસે અમેરિકાનાં રાષ્ટ્રપતિએ ઈરાનને
દુનિયાનાં નક્શામાંથી ભૂંસી નાખવાની અને એક આખી સભ્યતાને ખતમ કરી નાખવાની ભયાનક ધમકી
આપ્યા બાદ આખી દુનિયાનાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં પણ આમાં રાતોરાત આવેલા એક નાટકીય
વળાંકે વિશ્વને મોટો હાશકારો કરાવી દીધો. અમેરિકા અને ઈરાને બે સપ્તાહ માટે યુદ્ધવિરામની
ઘોષણા કરી દીધી. જેનાં ભાગરૂપે અમેરિકાએ ઈરાનમાં બોમ્બમારો તાત્કાલિક અસરથી રોકી નાખવાનો
અને સામે છેડે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વેપારી જહાજોને સુલામત માર્ગ આપવા સહમત
થઈ ગયું હતું. આ યુદ્ધવિરામ પછી ઈરાને વિજયનો
દાવો કરતાં કહ્યું હતું કે, શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં
અમેરિકા સાથે યોજાનારી વાટાઘાટો યુદ્ધ સમાપ્તીની બાંયધરી નથી. તો બીજીબાજુ ઈઝરાયલનાં
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ અલગ રંગ
દેખાડતાં યુદ્ધવિરામનાં અમેરિકાનાં નિર્ણય
સાથે તો સહમતી દેખાડી હતી પણ આ યુદ્ધવિરામમાંથી લેબનોન બાકાત હોવાનું સ્પષ્ટ કરી દીધું
હતું. જો કે ઈઝરાયલનાં આવા વલણથી ઈરાન પણ ફરી ભડક્યું હતું અને કહ્યું હતું કે,
જો લેબનોનમાં હુમલા નહીં અટકે તો તેલઅવીવ તરફ પણ મિસાઈલો મારવામાં આવશે.
યુદ્ધવિરામ માટે ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને તેની સામેનાં
પ્રતિબંધો અને ટેરિફમાં રાહત મળી શકશે પણ તેને યુરેનિયમ સંવર્ધન તો કરવા દેવાશે નહીં.
આટલું જ નહીં ટ્રમ્પે ઈરાનને શત્રો પૂરા પાડનારા દેશો ઉપર પ0 ટકા ટેરિફ લાગુ કરવાની ચેતવણી પણ આપી હતી. આ યુદ્ધવિરામ બાદ પણ ઈઝરાયલે લેબનોનમાં આજે પણ હુમલા
જારી રાખ્યા હતાં. બીજીબાજુ ખાડી દેશોમાં પણ ઈરાને હુમલા ચાલુ રાખ્યા હોવાનાં અહેવાલો
મળતાં આ યુદ્ધવિરામની ગંભીરતા સામે સવાલો ઉઠવા લાગ્યા હતાં. સાઉદી અરબની ઈસ્ટ-વેસ્ટ
ઓઈલ પાઈપલાઈન ઉપર ડ્રોનથી હુમલો થયો હોવાનાં સમાચાર પણ મળ્યા હતાં. ઈરાનનાં સિર્રી
દ્વીપ ઉપર પણ અનેક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ વિસ્ફોટનું કારણ હજી
સુધી સ્પષ્ટ નથી. આનો બદલો લેવા માટે ઈરાને ખાડી દેશોમાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં
યુએઈ અને કુવૈત ઉપર મિસાઈલો દાગી દેવામાં આવી હતી. આમાં કુવૈતમાં તેલ મથક અને વીજળી
અને પાણીનાં મથકોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન અમેરિકાનાં રક્ષામંત્રી
પીટ હેગશેથે દાવો કર્યો હતો કે, ઈરાન
યુદ્ધવિરામની વિનંતી કરી રહ્યું હતું અને તેથી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને સંભવ બનાવ્યું.
તેમણે આગળ એવો પણ દાવો કર્યો હતો કે, ઈરાનનાં નવા સર્વોચ્ચ નેતા
પણ ઘાયલ થઈ ગયેલા છે. યુદ્ધવિરામની ઘોષણા કરતાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, ઈરાન હોર્મુઝ ખોલવા
તૈયાર થઈ ગયું છે અને તેમનાં 10 સૂત્રીય પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. તેમણે આગળ લખ્યું હતું
કે, પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ
આસીમ મુનીર સાથે થયેલી વાતચીતનાં આધારે ઈરાન ઉપર કરવામાં આવનાર વિનાશક હુમલાને રોકવાનો
અનુરોધ કરાયો હતો. ઈરાને હોર્મુઝ ખોલવા સહમતી દેખાડતાં બે સપ્તાહ માટે પોતે હુમલા રોકવા
સહમત થઈ ગયા છે.