નવી દિલ્હી, તા. 17 : દિલ્હીમાં
વર્તમાન સમયે ગાઢ ધુમ્મસ અને ધુમાડો છવાયેલા છે. હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી
છે. તેમાં 15 ડિસેમ્બરે દિલ્હીમા એક્યુઆઈ
447 સુધી પહોંચી ગયો હતો.જે ગંભીર
શ્રેણીમાં આવે છે. જ્યારે ચીનની રાજધાની બીજિંગ,
જે એક સમયે દુનિયાનું `સ્મોગ કેપિટલ' કહેવાતું હતું અને હવે સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહી છે. 15 ડિસેમ્બરે બીજિંગમાં એક્યુઆઈ
માત્ર 67 હતો. આ દરમિયાન ભારતમાં ચીનના
દૂતાવાસે દિલ્હીની મદદ માટે હાથ લંબાવ્યો છે. દૂતાવાસના પ્રવક્તા યૂ જિંગે સોશિયલ મીડિયા
ઉપર એક સિરીઝ શરૂ કરી છે. જેમાં બીજિંગે પ્રદૂષણ સામેની લડાઈ કેવી રીતે જીતી તેની તબક્કાવાર
માહિતી આપવામાં આવી છે.યૂ જિંગે લખ્યું હતું
કે ચીન અને ભારત બન્ને ઝડપી શહેરીકરણ વચ્ચે વાયુ પ્રદૂષણના પડકારમાંથી પસાર થયા છે.
આ પડકાર ખૂબ જ જટિલ છે પણ છેલ્લા એક દશકમાં ચીને કરેલા સતત પ્રયાસોથી ખૂબ જ સુધારો
થયો છે. તેમણે બીજિંગની પહેલાની અને બાદની તસવીર શેર કરી હતી. જે પ્રદૂષણ ઓછું થયું
હોવાનું દર્શાવે છે. ચીની દૂતાવાસે સૌથી પહેલા વાહનોથી થતા પ્રદૂષણ ઉપર ભાર મુક્યો
હતો. ચીને `ચાઈના-6' માપદંડ અપનાવ્યા હતા. જેમાં જુના અને વધુ પ્રદુષણ કરતા વાહનો
ધીરે ધીરે હટાવવામાં આવ્યા હતા. બાદમાં લાયસન્સ પ્લેટ લોટરી સિસ્ટમ અને ઓડ ઈવન નિયમ
લાગુ કર્યા હતા. મેટ્રો અને બસ નેટવર્કનો મોટો વિસ્તાર કર્યો હતો અને ઈલેકિટ્રક વાહનો
ઝડપથી અપનાવ્યા હતા. માત્ર બીજિંગ જ નહી પાડોસી ક્ષેત્ર તિયાનજિન અને હેબેઈ સાથે મળીને
નીતિઓ બનાવી હતી. જેથી પ્રદૂષણ એકથી બીજા સ્થળે ન ફેલાય. આ ઉપરાંત ચીન દ્વરા ઔદ્યોગિક
પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. કોલસા ઉપર નિર્ભર ફેક્ટરીઓ બંધ કરવામાં આવી અથવા તો
તેને શિફ્ટ કરવામાં આવી તેમજ ક્લીન એનર્જીનો ઉપયોગ શરૂ કર્યો હતો. 2013માં ચીને પ્રદૂષણ સામે યુદ્ધ
ઘોષિત કર્યું હતું અને મોટું રોકાણ કર્યું હતું.