નવી દિલ્હી, તા. 17 : સુપ્રીમ કોર્ટે
ડિજિટલ અરેસ્ટ જેવા ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં પીડિતોને વળતર આપવા માટે નક્કર પગલાં
ભરવા કેન્દ્ર સરકારને જણાવ્યું છે. હરિયાણાના વૃદ્ધ દંપતીની ફરિયાદ પરની સુનાવણી દરમ્યાન
અદાલતે સાયબર અપરાધીઓ ડિજિટલ અરેસ્ટ જેવાં કારસ્તાનોથી જે રીતે મોટી રકમ દેશ બહાર મોકલી
રહ્યા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના વડપણ હેઠળની
ખંડપીઠે જણાવ્યું હતું કે, આ ઠગોએ કેટલા
બધાં નાણાં બહાર મોકલી દીધા એ જોઈને નવાઈ લાગે છે. એટોર્ની જનરલ આર. વેંકટમણિએ કહ્યું
હતું કે, કેન્દ્ર સરકાર અનેક મંત્રાાઁલયોને આવરી લેતી એક બેઠક
બોલાવવા જઈ રહી છે, તેમાં ડિજિટલ અરેસ્ટને લઈને એક રણનીતિ બનાવશે.
કોર્ટ મિત્ર ધારાશાત્રી એન.એસ. નપ્પિનૈએ પીડિતોને વળતર માટે જે રીતે બ્રિટનમાં ઓથોરાઈઝ્ડ
પુશ પેમેન્ટ (એપીપી) કૌભાંડના મામલાઓમાં બેન્કિંગ સિસ્ટમ મારફત જ પીડિતોને વળતર આપવું
ફરજિયાત છે, એ રીતે અહીં પણ એક અલગ જ યોજના બનાવવાનું સૂચન કર્યું
હતું. હરિયાણાના દંપતીએ ખુદને પોલીસ અને અદાલતના
અધિકૃત વ્યક્તિ ગણાવીને ડિજિટલ અરેસ્ટ કરવાની
ફરિયાદ કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, આવા અપરાધો માત્ર સાયબર
છેતરપિંડી નથી, પણ ન્યાયતંત્રના નામ અને ખોટી મોહર કે બનાવટી
આદેશોનો ઉપયોગ કરીને આમ જનતા પર સીધો હુમલો છે.