અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : બે
દિવસના ગુજરાત પ્રવાસે આવેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે મોડાસાના સ્વામિનારાયણ
મંદિર હોલ ખાતે સંગઠન સર્જન અભિયાન કાર્યક્રમ
અન્વયે 1200 બૂથ કાર્યકર સાથે સંવાદ સાધ્યો
હતો. શક્તાસિંહ ગોહિલ, મધુસૂદન મિસ્ત્રી
અને સ્થાનિક નેતાઓ સહિત 35 નેતાઓની ઉપસ્થિતમાં
રાહુલે સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, `દેશમાં બે
જ પક્ષ વિચારધારાના છે, કોંગ્રેસ અને
ભાજપ, તેથી લડાઈ ફક્ત અમારા બે વચ્ચે છે અને બધા જાણે છે કે,
કોંગ્રેસ જ છે, જે ભાજપ અને આરએસએસને હરાવી શકે
છે. જો આપણે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવા છે અને તેનો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય
છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. આપણા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે આપ્યા
છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી
શરૂ થઈ છે.' શ્રી ગાંધીએ
કહ્યું કે, `દિલ્હીમાં
અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે, કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. ગુજરાતમાં
અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. જિલ્લાના સિનિયર નેતાઓ સાથે વાતચીતમાં મને જાણવા
મળ્યું કે, અહીં સ્થાનિક નેતાઓને ટિકિટ વહેંચણીના નિર્ણયમાં સામેલ
કરવામાં નથી આવતા. કોંગ્રેસમાં બની બેઠેલા સિનિયર નેતાઓની ઝાટકણી કાઢતાં રાહુલ ગાંધીએ
કહ્યું કે, કોંગ્રેસમાં ઘણા એવા નેતા છે, જે સિનિયર નેતા બની બેઠા છે, પરંતુ બૂથ પણ નથી જીતાડી
શકતા. તેથી અમે એવા લોકોને તાકાત આપવા ઈચ્છીએ છીએ જેની પકડ બૂથ સ્તરથી છે.