• મંગળવાર, 08 જુલાઈ, 2025

પાકિસ્તાન માટે બે વિકલ્પ મરણશરણ કે શરણાગતિ

સંપાદકીય.. :  કુન્દન વ્યાસ : પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરનાં પહેલગામમાં ભારતીય યાત્રિકોને ઠાર મારીને મહિલાઓના જખમ - આઘાત ઉપર વધુ ઘાત કરતા હોય એમ કહ્યું હતું - `જાવ તમારા મોદીને કહેજો.આ ધમકી અને હત્યાઓનો જવાબ આપીને બદલો લેવાની શરૂઆત થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં ભરાઈ બેઠેલા આતંકીઓના અડ્ડાઓ ઉપર ભારતીય સેનાએ હુમલા કરીને માત્ર પચ્ચીસ મિનિટમાં 90 જેટલા આતંકીને જહન્નમમાં મોકલી દીધા છે. મિટ્ટી મેં મિલા દીયા હૈ. ભારતીય સેનાના `ઓપરેશન સિંદૂર' નામ આપીને મોદીએ ભારતીય હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સિંદૂરની શક્તિ બતાવી દીધી છે. ભારતીય હિન્દુ મહિલાઓના સુહાગનું પ્રતીક ભૂંસવાનું દુ:સાહસ કરનારાને આખરી - અંતિમ સજા મળી છે. નિર્દોષ મૃતાત્માઓના આત્માને શાંતિ મળે તેવી આ પ્રથમ અંજલિ છે... બુધવારની પરોઢે ભારતીય સેના, એરફોર્સે સરહદ વટાવી નથી. પાકિસ્તાની પ્રદેશમાં પગ પણ મૂક્યા વિના શબ્દવેધી બાણ જેવા ઘાતક મિસાઇલ છોડીને આતંકી અડ્ડા ખતમ કર્યા છે : હવે પ્રશ્ન પુછાય છે અને ચર્ચાય છે કે યુદ્ધ થશે? કેટલા દિવસ ચાલશે? આ પ્રશ્નનો જવાબ ઘણો જલ્દી મળશે. અત્યાર સુધી ભારતે સંયમ જાળવ્યો, પણ મહાભારતના શિશુપાલની સો ગાળ-અપશબ્દ પછી શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર છોડીને તેનો વધ કર્યો હતો. ભારતના લોકોએ ત્રણ-ત્રણ દાયકા સુધી ભારતે સાવધાનીપૂર્વક માત્ર આતંકી અડ્ડાઓને જ નિશાન ઉપર લીધા છે. દુશ્મનની સેના તથા આમજનતા ઉપર હુમલા કર્યા નથી. હવે પાકિસ્તાન પાસે બે વિકલ્પ છે : એક તો ભારત ઉપર લશ્કરી આક્રમણ કરે - જે તેના માટે આત્મઘાતક નીવડશે. આમ પણ પાકિસ્તાની સૈનિકો મેદાનમાંથી ભાગી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. જનરલ  મુનીરે - તાકીદ કરી છે કે, ભાગના નહીં - પણ કોણ માનશે? મોતને ભેટવા કોણ તૈયાર છે? જો પાકિસ્તાન લશ્કરી આક્રમણ કરે તો ભારતીય સેના સામે કેટલા દિવસ ટકે? આખરે 1971-72માં બાંગલાદેશમાં થયું હતું તેમ પાકિસ્તાની સેના ભારતની શરણાગતિ સ્વીકારશે - જાન બચી તો લાખો પાયે - અને પાકિસ્તાનમાં લોકોના બળવા પછી મોટી ઊથલપાથલ થશે. બીજો વિકલ્પ છે - ભારતના દુશ્મનો - હાફીઝ સૈયદ જેવા આતંકવાદીઓને વાજતે ગાજતે ભારતને સોંપે - અને ભારતની માફી માગે. આ વિકલ્પ સ્વેચ્છાએ નહીં સ્વીકારાય પણ નાછૂટકે, નાક-કાન કપાયા પછી - ટાંગ ઊંચી બતાવવાની તાકાત નહીં હોય ત્યારે માનશે? આતંકવાદીઓના અત્યાચાર સહન કર્યા પછી હવે એમને મોતની સજા કરનાર મળ્યો છે. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરીને પછી આગળ વધવાનો વ્યૂહ અજમાવ્યો છે. છેલ્લા 10-12 દિવસ દરમિયાન વિશ્વના દેશોને પાકિસ્તાનનો અસલી ચેહરો બતાવ્યો - યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિની બેઠક મળી. પાકિસ્તાન અને તેના `સલાહકારો'ની ધારણા હતી કે, ભારતે લડાઈ રોકવી પડશે અને પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવી પડશે, પણ આપણે જાણીએ છીએ કે, નેહરુએ યુએનમાં જઈને કાશ્મીરનો પ્રદેશ ગુમાવ્યો - મોદી આવી ભૂલ કરે જ નહીં અને ભારતનો દૃઢ નિર્ધાર જોઈ-જાણીને સલામતી સમિતિના સભ્ય દેશોએ પાકિસ્તાની આતંકની સખત શબ્દોમાં ટીકા કરી અને આતંકના મૂળ શોધવામાં ભારતને સહકાર આપવા જણાવાયું. પાકિસ્તાનની ચાલબાજી `તટસ્થ તપાસ'ના નામે યુદ્ધવિરામ - યુદ્ધ રોકવાની હતી - જેમાં તેને સરિયામ નિષ્ફળતા મળી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી - લોન મેળવવા ભીખ માગી પણ વિદેશો જાણે છે કે, પાકિસ્તાનના શાસકો નાણાં ઉછીના - ઉધાર લઈને તેનો કેવો ઉપયોગ કરે છે! આમ પાકિસ્તાને ભારતને ધમકીઓ ઘણી આપી છે - એટમ બોમ્બની ધમકી આપી, પણ આ મોદીનું ભારત છે અને પાકિસ્તાન માટે આખરી દિવસો છે. 

Panchang

dd