• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ભરબપોરે ઈસમ વેપારીને કુહાડી મારવા દોડયો...

ભુજ, તા. 9 : શહેરના ધમધમતા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનમાં મંગળવારે બપોરના અરસામાં નશાની હાલતમાં ઘૂસી આવેલા ઈસમે રકઝક કર્યા બાદ દુકાન માલિક પર કુહાડી વડે હુમલાનો પ્રયાસ કર્યો હોવાના બનાવથી ચકચાર ફેલાઈ હતી. આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ પ્રકારના હુમલાના બનાવે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલ ઊભા કર્યા છે. આ મામલે શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ અરજી દાખલ કરાવાઈ હતી.  બસ સ્ટેશન વિસ્તારમાં ભૂમિ હેન્ડીક્રાફ્ટ નામની દુકાન ધરાવતા પીડિત જગદીશ રતનશી ઠક્કરે અરજીમાં જણાવ્યું હતું કે, મંગળવારે બપોરના સમયે નશાની હાલતમાં એક ઈસમ ઘૂસી આવ્યો હતો, જેને બહાર કાઢવા જતાં ઉશ્કેરાયેલા આરોપીએ ગાળો બોલવા સાથે પોતાના કબજાની રિક્ષામાંથી કુહાડી કાઢી જગદીશભાઈ પર હુમલો કર્યો હતો. સદનસીબે ત્યાં હાજર એક જાગૃત નાગરિક વચ્ચે પડયા હતા અને તેઓ બચી ગયા હતા, ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગવા જતાં આ ઈસમે તેમનો પીછો કર્યો હતો અને મેં ચાર ખૂન કર્યા છે અને મારા પર ચાલીસ કેસ ચાલે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે, જગદીશભાઈએ 112 મોબાઈલ વાનને ફોન કર્યો હતો અને પોલીસ આવે તે પહેલાં આ ઈસમ નાસી છૂટયો હતો, ત્યારે આવા અસામાજિક તત્ત્વો બેફામ બની આતંક મચાવતા હોય ત્યારે પોલીસ તંત્ર મૂક બની બેઠું હોય અને કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે જ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરે તેની રાહ શા માટે જુએ છે તેવો સવાલ પણ જાગૃતોએ કર્યો હતો. આ ઘટના નજરે જોનારા લોકોએ પોલીસની કથિત નિરસતાની પણ ટીકા કરી હતી. લોકોની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે એ પોલીસ આવા લુખ્ખા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવે તે સમયની માંગ હોવાનું પણ લોકોમાં ચર્ચાતું હતું. બીજી તરફ, કચ્છમાં ફેલાયેલા નશાના દૂષણે લોકોની માનસિક સ્થિતિ કેટલી વિકૃત કરી દીધી છે તેની પણ આ ઘટના પ્રતીતિ કરાવે છે. જો તંત્ર આ દૂષણને વેળાસર નહીં ડામે તો છડેચોક બનતી આ પ્રકારની ઘટનાઓથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડશે તેવી પણ ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd