• શુક્રવાર, 05 જૂન, 2026

આમરસનાં નામે સોમરસ લઈને આવેલા શખ્સના મનસૂબા પર પાણી ફર્યું

ગાંધીધામ, તા. 4 : ઉનાળાની સિઝન પુરી થવા આવી છે, પણ લોકોનો કેરી પ્રત્યેનો પ્રેમ હજુ ઓછો નથી થયો, પણ ગાંધીધામ રેલવે મથકે એક એવો શખ્સ ઝડપાયો જે કેરીના બોક્સમાં કઈંક બીજો જ રસ પીરસવાની ફિરાકમાં હતો. આ શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી કેરીના બોક્સમાંથી દારૂની બોટલો જપ્ત કરી હતી. શહેરના રેલવે મથકે આજે સવારે રેલવે પોલીસ હાજર હતી દરમ્યાન એક શખ્સ કેરીની પેટી લઈને ઉતાવળે પગે જતો જણાયો હતો તે શંકાસ્પદ જણાતાં પોલીસે તેને રોકાવ્યો હતો અને કેરીના બોકસમાં શું છે તેવું પૂછતાં ઉડાઉ જવાબ આપ્યા હતા. વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરાતાં બોક્સમાં દારૂની બોટલો હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે બોકસ ખોલતાં તેમાં કેરી કે ગોટલી નહોતી પણ અંદર ગોઠવેલી કાચની ચમકતી બ્રાન્ડેડ દારૂની બોટલો નીકળી પડી હતી. પોલીસે આમરસના નામે સોમરસ વેચવાનો કારસો નિષ્ફળ બનાવ્યો હતો અને મૂળ મોડકુબા માંડવી હાલે ઘાટકોપર મુંબઈ રહેતા દેવેન્દ્રાસિંહ રઘુવીરસિંહ જાડેજાને ઝડપી લીધો હતો. તેની પાસે કેરીના બોક્સમાંથી ધ ગ્લેમવોક સ્કોચની 700 મિ.લિ.ની બે તથા રોયલ સ્ટેગની 750 મિ.લિ.ની 3 બોટલ એમ કુલ રૂા. 4882નો દારૂ જપ્ત કર્યો હતો. 

Panchang

dd