• શુક્રવાર, 05 જૂન, 2026

નાની ચીરઈમાં મંદિરનાં તાળાં તોડી નિશાચરોએ હાથ માર્યો

ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામમાં આવેલા હનુમાન મંદિરનો દરવાજો, તાળાં તોડી નિશાચરોએ તેમાંથી રૂા. 8700ના સામાનની ચોરી કરી હતી. ચોરીના આ બનાવથી શ્રદ્ધાળુઓમાં ચકચચાર સાથે રોષની લાગણી પ્રસરી હતી. નાની ચીરઈ ગામમાં ભૂકંપ પહેલાનું જૂનું હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમાં ગોકુળ ગામના પ્રકાશવન રામવન ગુંસાઈ દરરોજ સવાર-સાંજ પૂજા, આરતી કરે છે. આ પૂજારી ગઈકાલે સાંજે પૂજા કર્યા બાદ મંદિરને તાળાં મારી પોતાનાં ઘરે ચાલ્યા ગયા હતા. નિત્યક્રમ મુજબ પૂજારી આજે વહેલી સવારે મંદિરે પૂજા કરવા આવ્યા હતા. દિવાલનો દરવાજો ખોલી અંદર જતાં મંદિરનો મુખ્ય દરવાજો તૂટેલો અને તાળાં તૂટેલાં જણાયાં હતાં. યુવાન પૂજારી મંદિરના ગર્ભગૃહમાં જતાં ત્યાં ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ મંદિરમાંથી નિશાચરોએ પિત્તળની પંચઆરતી નંગ-બે, પિત્તળની ઘંટડી નંગ-બે, પિત્તળની દિવેલ નંગ-1 તથા પિત્તળનો એક મોટો ઘંટ એમ કુલ રૂા. 8700ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મંદિરમાંથી ચોરીના આ બનાવને પગલે હરિભક્તોમાં ભારે ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd