ભુજ, તા. 6 : વિવિધ
સરકારી કચેરીઓમાં બોમ્બની ધમકી અને તેનો અફવામાં પલટવાનો સિલસિલો આજે પ્રાદેશિક
વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) સુધી પહોંચ્યો હતો. ગુજરાતની અનેક આરટીઓની
સાથે ભુજ આરટીઓમાં પણ બોમ્બની ધમકીને પગલે પોલીસ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટુકડીઓ ધસી આવી હતી
અને તપાસ હાથ ધરી હતી. જો કે, તપાસને અંતે ધમકી અફવામાં
પરિણમતાં સત્તાધીશો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. વહેલી પરોઢે મેઈલબોક્સમાં
આવેલી ધમકી કચેરી ખૂલતાંની સાથે નજરે પડી હતી અને તે સાથે જ ભય સાથે કચેરીને ખાલી
કરાવવામાં આવી હતી. પોતાનાં રોજિંદાં કામે આવેલા લોકોને કચેરીમાં પ્રવેશવા દેવામાં
આવ્યા ન હતા અને આખી કચેરી ખાલી થયા બાદ તપાસ ટુકડીઓએ વિશાળ પરિસરની બારીકાઈથી
તપાસ કરી હતી. કલાકો ચાલેલી તપાસને અંતે કંઈ ન નીકળતાં તંત્રે રાહત અનુભવી હતી.
આરટીઓના પાર્થ ગઢવીએ જણાવ્યું કે, કચેરીના મેઈલ બોક્સમાં
આવેલી ધમકીની જાણ થતાંની સાથે જ પોલીસ સહિતના તંત્રોને જાણ કરવામાં આવી હતી.
તકેદારીના ભાગરૂપે કચેરીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું.