માંડવી, તા. 6 : શહેરના
હાર્દ સમા સ્વામિનારાયણ મંદિરના બહારના ભાગે આજે સાંજે ડમ્પરના પાછલા ટાયરમાં 25 વર્ષીય યુવા પરિણીતા પ્રિયલબેન મિત સંઘાણીની સ્કૂટી
અથડાતાં પ્રિયલબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યાની કરુણાંતિકા સર્જાઇ
હતી. આ કરુણ બનાવના સમાચાર પાટીદાર સમાજમાં વાયુવેગે પ્રસરતાં સમાજના અગ્રણીઓ અને પરિજનો
હોસ્પિટલ દોડી ગયા હતા. ચાર માસ પૂર્વે જ પ્રિયલના લગ્ન મિત શાંતિલાલ સેંઘાણી (શિવ
ઓટો પાર્ટસવાળા) સાથે થયા હતા. પ્રિયલ અને મિત આજે સાંજે બજારમાં ખરીદી કરવા ગયેલા
ત્યારબાદ મિતને દુકાને મૂકી સ્કૂટીથી પ્રિયલબેન ઘેર જઇ રહી હતી ત્યારે સાજે 7.30 વાગ્યે ઘનશ્યામ રેસ્ટોરન્ટ પાસે આ દુ:ખદ બનાવ બન્યો
હતો. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસે તરત લોકોને વિખૂટા
પાડયા હતા. નગર સેવા સદનના વાહન મારફતે પ્રિયલને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રિયલના
સાસરાવાળા, પરિજનો તથા પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોચી આવતાં ત્યાં રુદનના કરુણ દૃશ્યો સર્જાયા
હતા. પિયરવાળા બિદડા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાયપાસનું
કામ ધીમી ગતિએ ચાલે છે. જો તે ઝડપથી પૂરું થાય તો મોટા વાહનો ગામમાંથી આવતા બંધ થાય
અને આવા અકસ્માતનો અન્ય કોઇ ભોગ ન બને અને જ્યાં સુધી બાયપાસ ન થાય ત્યાં સુધી મોટા
વાહનોને જૈન આશ્રમથી પાણીના ટાંકા સુધી અમુક સમયે આવવા ઉપર પ્રતિબંધ લાદવો જોઇએ તેવું
ગામના જાગૃતો જણાવી રહ્યા છે. પાણીના ટાંકાથી દાદાવાડી સુધીનો રસ્તો ટ્રાફિકને હળવો
કરવામાં પોલીસ સખત પ્રયત્ન કરી રહી છે પરંતુ વાહનોનું પ્રમાણ વધતા જતાં પોલીસના નાકે
દમ આવી જાય છે.