• રવિવાર, 01 માર્ચ, 2026

પલાંસવામાં ડમ્પરચાલકે ખાણખનિજ વિભાગના કર્મચારીને આપી ધમકી

ગાંધીધામ, તા. 28 :  પૂર્વ કચ્છમાં ખાણખનિજ વિભાગ દ્વારા હાલ છેલ્લા કેટલાક દિવસોથી  ખનિજચોરી કરતા તત્ત્વો ઉપર તવાઈ લાવવામાં આવી છે અને કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ અંતર્ગત વાગડમાં રાપર તાલુકાનાં પલાંસવામાં કાર્યવાહી દરમ્યાન ડમ્પરચાલકે  ખનિજ વિભાગના કર્મચારીને ધાકધમકી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ   ખાણખનીજ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મેરામણ સામતભાઈ ગોજિયાએ જીજે-12-બીઝેડ  8442ના ડમ્પરના ચાલક સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો છે. આરોપી ચાલકે પોતાનું ડમ્પર આડેધડ ચલાવી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હતી અને ફરિયાદી તેમજ ખાણખનિજ વિભાગના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પલાંસવામાં ખાણખનિજ વિભાગ દ્વારા 17 જેટલા ડમ્પરો કબજે કરાયાં હતાં.  અગાઉ પણ વાગડમાં ખનિજચોરી કરતા તત્ત્વો દ્વારા  આ પ્રકારનાં કૃત્યને અંજામ આપવામાં આવ્યા છે.  હોટેલ અને પોલીસ મથકમાં સીઝ કરાયેલાં ડમ્પરો ગેરકાયદે રીતે ઉપાડી જવાના બનાવો પણ બન્યા છે તેમજ  કર્મચારીઓની રેકી કરવા સહિતની ઘટનાઓ પણ બહાર આવી છે. 

Panchang

dd