• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

કચ્છમાં કેપ્ટન ગોગો સામે કાર્યવાહી અવિરત

ગાંધીધામ / ભુજ, તા. 18 : રાજ્ય સરકાર દ્વારા કેપ્ટન ગોગો વગેરેને પ્રતિબંધિત જાહેર કર્યા બાદ કચ્છ પોલીસે જુદી જુદી જગ્યાએ કાર્યવાહી કરી હતી અને 11 દુકાનદારને પકડી પાડી તેમની પાસેથી આવા પ્રતિબંધિત પેપર જપ્ત કરવામાં આવ્યા હતા. આવી દુકાનોમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે આવા પેપર ઓનલાઇન પણ મળી રહ્યા છે તે ઉપર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી હતી. રાજ્ય સરકાર દ્વારા કેપ્ટન ગોગો સહિતના નશા કરવાના પેપર ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ સુરત પોલીસ પછી પૂર્વ કચ્છ પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી. ગઇકાલે ગાંધીધામમાં કાર્યવાહી બાદ અન્ય પોલીસ મથકોએ પણ  કમર કસી હતી. દરમ્યાન, દુકાનોમાં તપાસ કરી આવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે ઓનલાઇન પણ આવા પેપર ઘરબેઠા ઉપલબ્ધ થઇ રહ્યા છે જે અંગે પણ પોલીસ અને સરકારે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ જાગૃત લોકો કરી રહ્યા છે. એલસીબીએ શિણાય રવેચીધામ-બેમાંથી ગૌતમ શંકર ખાંડેકાને પકડી તેની પાસેથી ગોગો કોન નંગ-224, ગોગો સેલીંગ પેપર નંગ 638 જપ્ત કર્યા હતા તેમજ ભચાઉના સિતારામપુરા વિસ્તારના સદામ હબીબ કુંભાર પાસેથી 36 ગોગો કોન, 126 રોલીંગ પેપર જપ્ત કરાયા હતા. અંજાર પોલીસે મેઘપર બોરીચીના વૃંદાવન પાર્કમાં ધરમવીરસિંઘ શ્રીમધવસિંઘ ચૌધરી પાસેથી ગોગો થ્રી પેપર નંગ 47, ગોગો રોલીંગ કોન નંગ 27 જપ્ત કર્યા હતા. લાકડિયા પોલીસે ગામના સવજી વીરજી કોળી પાસેથી સ્ટેસ પ્રો 56, પ્રો રોલ્ડ કોન નંગ 32 જપ્ત કર્યા હતા. ભચાઉ પોલીસે હિંમતપુરા વિસ્તારના મયૂર રામજી સોલંકી તથા પ્રવીણ શામજી રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. બંને પાસેથી ગોગો કોન નંગ 71, ગોગો થ્રી પેપર નંગ 120 તથા ગોગો રોલીંગ પેપર નંગ 43 જપ્ત કર્યા હતા. દરમ્યાન, પશ્ચિમ કચ્છની એસઓજીની ટીમે બાતમીના આધારે ભુજમાં જેષ્ઠાનગરમાં રહેતા અયાન અમીનઅલી ખોજાની અરિહંત આઇક્રીમ પાર્લરમાંથી ગોગો સ્મોકિંગના 25 કોન, પેપર ચીટ એક પેકેટ તથા ગણેશનગરમાં રહેતા ભૂપતસિંહ સવાઇસિંહ સોઢાની જય સચ્ચિયાર પાન પાર્લરમાંથી બાવન ગોગો સ્મોકિંગ કોન, રોલીંગ પેપર્સ સાથે બંનેને ઝડપી બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદો આપી કાર્યવાહી કરાઇ હતી. જ્યારે આ જ રીતે મુંદરામાં માંડવી ચોકમાં રહેતા દીપક અરૂણભાઇ ગોહિલની બારોઇ રોડ પર આવેલા ઉમિયા પાન પાર્લરમાંથી 30 ગોગો સ્મોકિંગ કોન તથા બારોઇ રોડ પર જ યશપાલસિંહ ચંદુભા જાડેજા (રહે. સીતારામનગર)વાળાની ગોપી સોડા શોપમાંથી ગોગો રોલીંગ પેપર્સ નંગ 50 સાથે બંનેને ઝડપીને મુંદરા પોલીસમાં ફરિયાદો નોંધાઇ હતી. જ્યારે માંડવીમાં ભુજ-માંડવી ધોરીમાર્ગ પર પ્રગતિ કોમ્પ્લેક્સમાં આવેલી ક્રિષ્ના પાન પાર્લરમાંથી 560 ગોગો સ્મોકિંગ કોન હસ્તગત કરી આરોપી મૂળ જામનગરના હાલે મસ્કા રહેતા પ્રતાપદાન લહેરીદાન બારોટ સામે માંડવી પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. 

Panchang

dd