ભુજ, તા. 17 : તાલુકાના મદનપુરની ગ્રામ પંચાયતનું
વર્ષ 2025-26નું બજેટ નામંજૂર થયું હતું
અને પંચાયતને કોઈ પણ નાણાકીય ખર્ચ તાલુકા વિકાસ અધિકારીની કચેરીની પૂર્વ મંજૂરી વિના
ન કરવાના હુકમ વચ્ચે ગામમાં બોરની મોટર બળી જવા તથા પાઈપલાઈન તૂટવા તેમજ પંચાયતનાં
કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતાં કામ બંધ થઈ જવાને લઈ ગામના અમુક વિસ્તારોમાં દસ-પંદર
દિવસથી પાણી ન મળતાં છેલ્લા થોડકા દિવસોથી ચાલતી આ પાણીની મોકાણમાં બે જૂથો સામ-સામે
આવી જતાં બબાલ સર્જાતાં મહિલા સરપંચ સહિત 19 સામે ફોજદારી સામ-સામી ફરિયાદ દાખલ થઈ છે. પટેલ ચોવીસીના ગઈકાલ
રાતના આ ચકચારી બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે મદનપુરના સરપંચ પૂનમબેન લખમણ મેપાણીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ ઉપસરપંચ સહિત પાંચ સભ્ય તાલુકા વિકાસ અધિકારી-ભુજને રજૂઆત કરી
કે પંચાયતનું બજેટ બે વખત નામંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ બોડીને વહીવટ કરવાની સત્તા
રહી નથી. પંચાયતમાં કામ કરતા માણસોના પગાર-બિલ બાબતે ઠરાવ પસાર થયો ન હોઈ માણસોને પગાર
ન મળતાં કામ કરવાનું બંધ કરી દીધું છે. આ બાદ
પંચાયતના બોરની મોટર બળી ગઈ હોઈ અને પાઈપલાઈન તૂટી ગઈ હોઈ અને પંચાયત પાસે નાણાકીય
વહીવટ કરવાની સત્તા ન હોઈ મરંમત ન થતાં છેલ્લા દસ-પંદર દિવસથી ગામના અલગ-અલગ વિસ્તારમાં
પાણી આવ્યું નથી. તા. 14/5ના પાણી મુદ્દે
ગ્રામ પંચાયતમાં લોકો આવ્યા હતા. ફરિયાદીને પાણી ન આવવા બાબતે પ્રશ્ન પૂછતાં તેમણે
તેમના વોર્ડના સભ્યોને બોલાવવાનું કહેતાં આઠ પૈકી ત્રણ જ સભ્ય આવ્યા હતા. આ બાદ ફરિયાદી
સરપંચ પૂનમબેન ગામ લોકોને ફોન કરતા હતા, ત્યારે આરોપી લાલજી લખમણ વરસાણી, મનજી ધનજીભાઈ ખેતાણી,
વિશ્રામભાઈ કરશનભાઈ રૂપાલિયા, ખીમજી મૂળજી રૂપાલિયા
અને રવજી કરશન વરસાણીએ ધક્કામુક્કી કરી પહેરેલ ડ્રેસ ફાડી નાખી નિર્લજ્જ હુમલો કરી
અને ગળામાં પહેરેલી ચેન ખેંચી લીધી હતી. પોલીસને ફોન કરતાં આરોપીઓ નીકળી ગયા હતા. જે-તે
સમયે આ બાબતે પોલીસને અરજી પણ કરી હતી. બીજી તરફ આ ચર્ચાસ્પદ બનાવ અંગે મદનપુરાના ખીમજીભાઈ
મૂળજીભાઈ રૂપાલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગ્રા.પં.ના વોર્ડ-8ના સભ્ય છે. છેલ્લા દસ-પંદર દિવસથી અલગ-અલગ
વિસ્તારમાં પાણી ન આવતાં લોકો દ્વારા આ બાબતે સરપંચ પૂનમબેન મેપાણીને રજૂઆત કરાતાં
તેઓ અમારા લીધે ગામમાં પાણી ન આવતું હોવાનું જણાવી અમારા વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા.
તા. 16/5ના રાત્રે ફરિયાદીનાં ઘરે સરપંચ
સહિતના આરોપીઓ આવી ફરિયાદીના હિસાબે પાણી આવતું નથી અને પંચાયતમાં કામ કરતા માણસોને
પગાર થવા દેતા નથી, તેવો શક- વહેમ
રાખી ઝઘડો કરી ધકબૂશટનો માર મારી ફરિયાદીની સોનાંની બે તોલાની ચેન કિં. રૂા. એક લાખની
ખેંચી ધાડ પાડી હતી. આ અંગે ફરિયાદીએ આરોપી સરપંચ પૂનમબેન લખમણ મેપાણી, જશુબેન લાલજી હીરાણી, મનીષાબેન રામજી મેપાણી,
મૂરજી માવજી મેપાણી, મનજી દેવજી મેપાણી,
મનસુખ મૂરજી મેપાણી, કાનજી વિશ્રામ હીરાણી,
રવજી રામજી ખેતાણી, મૂરજી રત્ના પાધરા,
શાંતાબેન રામજીભાઈ મેપાણી, હબીબેન વિશ્રામ મેપાણી,
દિનેશ વેલજી મેપાણી, લક્ષ્મીબેન રામજી ભંડેરી અને
નયનાબેન પ્રેમજીભાઈ ખેતાણી વિરુદ્ધ મહાવ્યથા, લૂંટ અને મારામારી
સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે.