ભુજ, તા. 17 : ભુજ તાલુકાના વાંઢાય તીર્થધામ
ખાતે ઈશ્વર આશ્રમના ગાદિપતિ અને સંચાલન મામલે વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યો હતો
અને રાજકોટ સ્થિત મુખ્ય ચેરિટી કમિશનરના હુકમનાં પગલે પાંચ જણની સમિતિ અને ચેરિટી કમિશનરની
કચેરીના પ્રતિનિધિની નિમણૂક કરી આશ્રમનો કબજો સોંપવામાં આવ્યો હતો. હરિહર સંપ્રદાયની
આ ગુરુગાદીના મહંત કરશનદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં ટ્રસ્ટ અને ગુરુગાદીના સંચાલન મામલે
વિવાદ સર્જાયો હતો. વર્ષોથી ચાલતા કાયદાકીય જંગના અંતે આજે નિયમો પ્રમાણે ભુજ નાયબ
ચેરિટી કમિશનરની કચેરીના નિરીક્ષકની નિમણૂક સાથે ટ્રસ્ટના વહીવટનાં સંચાલના માટે પાંચ જણની કમિટી રચવાનો રાજકોટ
સ્થિત મુખ્ય ચેરિટી કેમિશનરે હુકમ કર્યો હતો. આજે સાંજે કચેરીના નાયબ ચેરિટી કમિશનર
અનિલ ગઢવીની આગેવાની હેઠળ સ્થાપેલી કમિટીના સભ્યો અશોક કાનજી મંગે, મહોબતસિંહ મમુજી, ગોવિંદ
રવજી ભાનુશાલી, જયેશ દયારામભાઈ, તુલસીદાસ
દામા એમ પાંચ જણ ઉપરાંત કચેરીના નિરીક્ષકે પંચનામું વગેરે કરી ઈશ્વર આશ્રમનો કબજો સોંપવામાં
આવ્યો હતો. આશ્રમની વ્યવસ્થા સંભાળવા ઉપરાંત બેન્ક સંચાલન, મિલકત
રક્ષણ, હિસાબી સાહિત્ય, આધાર-પુરાવા,
ઠરાવ વગેરે કરી સ્થળ પર નિર્ણય લેવામાં આવતાં હાલ પૂરતો આ વિવાદનો અંત
આવ્યો હતો.