ભુજ, તા. 17 : ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક
હાથ ધરી પાકિસ્તાનમાં કાર્યરત આતંકી ઠેકાણાનો નાશ કર્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર
મોદી ભુજ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. વિશાળ જાહેરસભા સાથે કરોડો
રૂપિયાનાં વિકાસકામોનાં લોકાર્પણ- ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે, ત્યારે 26 કે 27 મેના ગોઠવાતા વડાપ્રધાનના સંભવિત
પ્રવાસને લઈ તંત્રની તૈયારીનો ધમધમાટ વેગવાન બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ
આવી રહ્યા હોવાનો સંભવિત પ્રવાસ જાહેર થતાં કચ્છનું તંત્ર આ સઘળું આયોજન સુપેરે પાર
પડે તે માટે તૈયારીમાં પરોવાઈ ગયું છે. વડાપ્રધાન
26 અથવા 27મીએ ભુજ આવી શકે છે. તેમનો સત્તાવાર કાર્યક્રમ
જાહેર થવાની ગણાતી ઘડીઓ વચ્ચે ભુજ-માંડવી માર્ગ પર ટાઈમ સ્ક્વેરની સામે વિશાળ જગ્યા
પર જમીન સમથળ કરવા સહિતની કામગીરી આરંભી દેવામાં આવી છે. દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વડાપ્રધાનના
આ સંભવિત પ્રવાસમાં જાહેર સભાનાં આયોજન, વિકાસકામનાં લોકાર્પણ- ખાતમુહૂર્તમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે મુખ્ય સ્ટેજ
વ્યવસ્થાપન, કાયદો અને વ્યવસ્થા જાળવણી, બેઠક અને મંડપ વ્યવસ્થા, જનમેદનીને લઈ આવવા માટે એસ.ટી.
બસની ફાળવણી, પાર્કિંગ, આરોગ્ય વિષયક વ્યવસ્થા
ગોઠવવા સહિતને માટે વિવિધ કમિટીનું ગઠન કરી અલગ-અલગ અધિકારીઓ-કર્મચારીઓને તેના સંબંધી
કામગીરી સુપ્રત કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન પ્રથમવાર કચ્છ આવી રહ્યા
છે, ત્યારે તેમની જાહેર સભાનાં આયોજનને ઐતિહાસિક બનાવવા માટે
ભાજપ સંગઠન પણ તૈયારીમાં પરોવાયું છે. વડાપ્રધાનની જાહેર સભા બપોર બાદ યોજાય તેવી શક્યતા
વ્યક્ત કરવામાં આવી રહી છે.