ગાંધીધામ, તા. 17 : ગાંધીધામ - આદિપુર જોડિયા શહેરો
અને સંલગ્ન ગ્રામીણ વિસ્તારમાં લોકોને સારા નાગરિક પરિવહનની સુવિધા મળી રહે તે માટે
મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસેથી 80 ઇ-બસ માગવામાં આવી છે અને આ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન
એટલે કે, જીયુડીએમમાં દરખાસ્ત પણ કરી દેવામાં આવી હોવાનું
જાણવા મળી રહ્યું છે. વર્ષો અગાઉ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે
લાલબસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે બંધ થયા પછી સારા નાગરિક
પરિવહન માટેની કોઈ વ્યવસ્થાઓ નથી. અગાઉ નગરપાલિકાએ એક વખત સિટીબસ સેવા શરૂ કરવાના પ્રયાસો
કર્યા હતા ને એક દિવસ માટે તે બસ કાર્યરત રહી હતી, પછી તે યોજનાનું
બાળમરણ થયું હતું અને તે પછી નાગરિક પરિવહન વ્યવસ્થાઓનાં નામે શૂન્ય અવકાશ છે. હાલના
સમયમાં મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે. ગાંધીધામ - આદિપુર જોડિયા શહેરો અને તેને
સંલગ્ન છ ગામનો ગ્રામીણ વિસ્તાર છે. લગભગ 110 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં નાગરિક પરિવહન સુવિધાના અભાવે અનેક
સમસ્યાઓ છે. ઔદ્યોગિક સંકુલમાં વાહનોની સંખ્યા વધતાં પ્રદૂષણની જટિલ સમસ્યા તો છે જ, તેની સાથેસાથે ટ્રાફિક સહિતની સમસ્યાઓ પણ સર્જાઈ
રહી છે, જો નાગરિક પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો મહદઅંશે
સમસ્યાઓમાંથી થોડી રાહત મળે તેવી સંભાવનાઓ છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર લોકોને
સારાં પરિવહનની સેવા મળે તે માટે સક્રિય છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો તથા શિણાય,
મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, ગળપાદર, અંતરજાળ, કિડાણા સહિતના
ગ્રામીણ વિસ્તારમાં નાગરિક પરિવહન માટે પરિવહન યોજના તળે મહાનગરપાલિકા દ્વારા સરકાર
પાસેથી 80 ઇ-બસ માગવામાં આવી છે. જીયુડીએમમાં
દરખાસ્ત કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લગભગ 40 રૂટ ઉપર બસ ચલાવવાનું આયોજન
છે. તે દિશામાં અધિકારીઓ મથામણ પણ કરી રહ્યા છે. દરખાસ્ત અંગે સૂત્રો સમર્થન આપી રહ્યા
છે. સરકાર દ્વારા ઇ-બસની ફાળવણી કરવામાં આવશે તો સારી નાગરિક પરિવહન વ્યવસ્થાઓ ઊભી
થઈ શકશે, અગાઉ તેર બસ ફાળવવાની વાત હતી. તે પછી સીએનજી
બસ માટે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીં સીએનજી પમ્પ ન હોવાથી ડીઝલ બસ ફાળવવાની
માંગ થઈ હતી. લાંબા સમયથી આ બધી પ્રક્રિયાઓ ચાલે છે, અત્યાર સુધીમાં
તો સિટીબસ માટે અનેક વખત પ્રયાસો થયા છે, પણ આ વખતે ઇ-બસ માગવામાં
આવી છે.