નવી દિલ્હી, તા. 17 (પી.ટી.આઈ.)
: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વિદેશમંત્રી એસ. જયશંકરનાં હવાઈ હુમલા પહેલાં પાકિસ્તાનને `સંદેશ આપ્યા'ના નિવેદન પર સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારને ઘેરતાં
કહ્યું હતું કે, હુમલા અગાઉ પાકિસ્તાનને માહિતી આપવી એ અપરાધ છે અને આવી જાણકારી આપવા માટે કોણે
મંજૂરી આપી હતી. તેમણે ભારતને કેટલા યુદ્ધ વિમાનનું નુકસાન થયું તેની વિગતો પણ માગી
હતી. રાહુલના સવાલો બાદ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મંત્રીનાં નિવેદનનું ખોટું અર્થઘટન
કરાયું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિદેશમંત્રી એસ. જયશંકરે
એમ કહ્યું હતું કે, અમે પાકિસ્તાનને શરૂઆતમાં જ ચેતવણી આપી દીધી
હતી, જે `ઓપરેશન સિંદૂર' શરૂ થયા બાદનું આરંભિક ચરણ હતું. આ નિવેદનને ખોટી રીતે રજૂ કરાઈ રહ્યું છે
કે, તે જાણે શરૂઆતથી પહેલાંની વાત હોય. તથ્યોને સંપૂર્ણ ખોટી
રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે. આ પહેલાં, `એક્સ' પર રાહુલ
ગાંધીએ કહ્યું કે, આપણા હુમલાની શરૂઆતમાં પાકિસ્તાનને તે વિશે
સૂચિત કરવું એ અપરાધ હતો. વિદેશમંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે, ભારત સરકારે આમ કર્યું હતું. તેમણે સવાલ કરતાં કહ્યું કે, તેને કોણ અધિકૃત કર્યું? તેનાં પરિણામ સ્વરૂપ આપણી વાયુસેનાએ
કેટલાં વિમાન ખોયાં હતાં?