• રવિવાર, 18 મે, 2025

મુંદરામાં `આજ કી શામ.., જવાનો કે નામ..'

મુંદરા, તા. 17 : જ્યારે-જ્યારે દેશ પર  સંકટ આવ્યું છે, ત્યારે દેશના ત્રણેય સૈન્ય દળે  ભારતમાતાની રક્ષા કરી છે.  કારગિલ યુદ્ધ અને ઓપરેશન સિંદૂર તેનાં નજીકના સમયનાં ઉદાહરણો છે. આવા વીર જવાનો દેશ કાજે પોતાનો જીવ ન્યોછાવર કરી દેશની રક્ષા કરે છે, ત્યારે તેમના પરિવાર પ્રત્યે ઋણ બંધાય છે અને આપણા જવાન નિવૃત્ત થાય છે, ત્યારે તેમનું નિવૃત્તિ પછીનું જીવન પણ સ્વમાનભેર રોજગારી કે વ્યાપાર કરીને પસાર થાય, તેવાં કાર્યોમાં સહયોગની ભાવના સાથે આવતીકાલે મુંદરામાં સંગીતમય શહીદ સ્મરણાંજલિ સંધ્યા યોજાઇ રહી છે, જેને જિલ્લા સમાહર્તા, લશ્કરી ક્ષેત્રના અધિકારીઓ સહિત મહાનુભાવોના હસ્તે ખુલ્લી મુકાશે.  મુંદરાની પ્રસિદ્ધ હોટલ સુરભિ દ્વારા સુરભિ સોશિયલ ગ્રુપના ઉપક્રમે આયોજિત ઉમદા હેતુ સાથેના આ કાર્યક્રમને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત કચ્છનું શિરમોર અખબાર `કચ્છમિત્ર' તેમજ `પ્રોજેક્ટ વીર' ટ્રસ્ટનો સાથ મળ્યો છે. પ્રોજેક્ટ વીર એ ભારતના સંરક્ષણ તંત્ર સાથે રહીને જવાનોને કલ્યાણ માટે કામ કરે છે. આ ઉપરાંત જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. આયોજક સુરભિ સોશિયલ ગ્રુપના મોવડી ધારાશાસ્ત્રી ભોગીલાલભાઈ ચાવડા અને વીર પ્રોજેક્ટ ટ્રસ્ટના ધીરજભાઈ ધરોડે જણાવ્યું હતું કે, દેશ માટે બલિદાન આપનારા બહાદૂર સૈનિકોની યાદમાં કાલે તા. 18મી મે-2025ના રવિવારે સાંજે 7 વાગ્યે મુંદરા ઝિરો પોઈન્ટ નજીક, હોટલ સુરભિ પાછળ આવેલા સુરભિ ગાર્ડન ખાતે આ સંગીત સંધ્યા સાથે શહીદ સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે, જેનો સમયસર આરંભ થઈ જશે, જેમાં એકત્ર યોગદાન એ જરૂરિયાતમંદ જવાનોના પરિવાર માટે ઉપયોગમાં લેવાશે. જે 80-જી તળે કરમુક્ત રહેશે. આમંત્રિતો માટેના આ સમારોહમાં પ્રસિદ્ધ કલાકારો દેશભક્તિ અને શહીદોને સ્મરણાંજલિ સંગીત પીરસશે. આ પ્રસંગે ખાસ મહેમાનો સાંસદ વિનોદભાઈ ચાવડાકલેક્ટર આનંદભાઈ પટેલ, કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભુજ મિલિટરી સ્ટેશન ડીએએજી લેફ. કર્નલ વિક્રમ મેહરાઓફિસર કમાન્ડિંગ લેફ.  કર્નલ અમિત સાગવાન, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા, અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહશ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી વિનોદભાઈ સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમાના વડા મનોજભાઈ સોલંકી, મનોજભાઈ ડી. વેગડ (ગાયત્રી પેટ્રોલિયમ)  માનસી ટ્રસ્ટના ટ્રસ્ટી હીરાલાલભાઈ સાવલા તેમજ વિવિધ લશ્કરી અધિકારીઓ, વિવિધ ખાનગી ઉદ્યોગગૃહોના અધિકારીઓ, કચ્છની સેવાભાવી સંસ્થાના વરિષ્ઠ અગ્રણીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિ  સંગીતની સાથે-સાથે સેવાનો સૂર રેલાશે.  નોંધનીય છે કે, આ સંગીત સમારોહમાં વોઇસ ઓફ `કરીબઅને `ચુરાલોના દિલ મેરા સનમ..' ગીતના એવોર્ડ વિજેતા અને તાજેતરમાં લતા મંગેશકર એવોર્ડ મેળવનારાં ગાયિકા સંજીવની ભેલાંડેનિખિલ ઠાકુર અને કચ્છી ગાયક રાજેન્દ્ર ખિયરા દેશભક્તિ અને જૂનાં ગીતોની રજૂઆત કરશે, સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. આ શહીદ સ્મરણાંજલિ સંગીત કાર્યક્રમની જાહેરાત થઈ એ સાથે જ અનેક લોકોનો પ્રોજેક્ટમાં સહયોગ જાહેર થઈ ચૂક્યો હતો અને હજુ વધુ ને વધુ પ્રતિસાદ મળી રહ્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd