• રવિવાર, 18 મે, 2025

લાખાપરમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદ

ભચાઉ, તા. 16 : તાલુકાના લાખાપર ગામે સાડા ચાર વર્ષ અગાઉ બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા નીપજાવવાના પ્રકરણમાં આરોપીને તક્સીરવાન ઠરાવવામાં આવ્યો હતો. આ શખ્સને આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. તાલુકાના છેવાડાના લાખાપર ગામમાં ગત તા. 26/10/2020ના બપોરના અરસામાં આ જઘન્ય બનાવ બન્યો હતો. પોતાના માતા-પિતાના ચાર સંતાનો પૈકી સૌથી મોટી દીકરી એવી એવી સાત વર્ષીય માસૂમ બાળકીની હત્યા નીપજાવાઇ હતી. બાળકોની માતાએ તેને સંબંધીના ઘરે ટાંકીમાં પાણી છે કે નહીં તે જોવા મોકલાવી હતી. ભોગ બનનારના ઘરથી  150 મીટર દૂર આવેલા સંબંધીના ઘરે જવા નીકળેલી આ બાળકી થોડીવાર બાદ પરત ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. તેને શોધવા માટે જે-તે સમયે સોશિયલ મીડિયા પર સંદેશા વહેતા કરાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. બાળકીની શોધખોળ ચાલુ હતી, દરમ્યાન તેમનાં ઘર નજીક આવેલા અને છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલા એક મકાનના રસોડા પાસેથી આ બાળકીની લાશ મળી આવી હતી. તેની લાશ એફ.એસ.એલ. -પી.એમ. કરાવવા જામનગર લઇ જવાઇ હતી. આ જઘન્ય બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. બાદમાં આ બનાવના આરોપી એવા વિજય પ્રતાપ કોળી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેના મેડિકલ પુરાવા એકત્ર કરાયા હતા. આ શખ્સ વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી શરૂઆતમાં  અંજાર કોર્ટમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બાદમાં આ કેસ ભચાઉની પોક્સો કોર્ટમાં તબદીલ થતાં ત્યાં ચાલી ગયો હતો. જ્યાં પાલિકા દ્વારા 34 મૌખિક પુરાવા અને સામખિયાળી પોલીસ દ્વારા એકત્રિત કરેલા 100 જેટલા દસ્તાવેજી પુરાવા તથા દલીલો સાંભળી આ શખ્સ વિજય પ્રતાપ મહાલિયા (કોળી)ને તક્સીરવાન ઠેરવવામાં આવ્યો હતો. ન્યાયાધીશ અંદલિપ તિવારીએ આ શખ્સને  જુદી જુદી કલમો તળે  આજીવદ કેદ અને જુદી જુદી કલમો તળે કુલ રૂા. 16,000નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આવા ચુકાદાના પગલે આવા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી. એસ. જાડેજા તથા પૂર્વ કચ્છ પોલીસના ક્રાઇમ એડવાઇઝર ધારાશાત્રી ડી.બી. જોગી હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd