ભુજ, તા. 8 : ગઈકાલે
માંડવી તાલુકાના બાયઠથી લાયજા માર્ગે પગે જતાં બાયઠના 70 વર્ષીય
બુઝુર્ગ વીરા આતુલને બોલેરો ગાડીએ અડફેટે લઈ ફંગોળી નાખી ગંભીર ઈજા પહોંચાડતાં મોત
નીપજ્યું હતું. બીજી તરફ નખત્રાણા તાલુકાના વડવાકાંયાના 70 વર્ષીય
વૃદ્ધ ખીમજી ડોસા ગરવાએ બીમારીઓથી કંટાળી એસિડ પીને, જ્યારે
વાવડી વાડીવિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવા ખેતમજૂર રાજુ ઠાકોરે
ખેતરમાં નાખવાની દવા ગટગટાવીને જીવનના અંત આણી લીધા હતા. ગઢશીશા પોલીસ મથકે 42 વર્ષીય
મૂળ ઝરપરા હાલે બાયઠ રહેતાં હાંસબાઈ ભીમજીભાઈ પીંગોલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના
પતિ આઠેક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. તેઓ પિતા સાથે બાયઠમાં રહે છે. બુધવારે સવારે
દસેક વાગ્યે બાયઠથી લાયજા બાજુ ખેતરોમાં ગાયો-ભેંસો માટે ચારો લેવા માટે ફરિયાદી તથા
તેના પિતા વીરા અને કુટુંબી ફોઈ આસબાઈ ત્રણે માંડવી-નલિયા ધોરીમાર્ગ પર લાયજા બાજુ
પગે જતા હતા, ત્યારે બાયઠથી અડધો કિ.મી. પહોંચતા વળાંક પાસે
પિતા વીરાને અજાણી બોલેરો સફેદ ગાડીએ અડફેટે લઈ ફંગોળી નાખ્યા હતા. રાડા-રાડી કરતા
ગામના લોકો આવી ગયા હતા. વાહનચાલક ગાડી લઈ ભાગી ગયો હતો. તેમાં આગળ ત્રીસેક વર્ષની
ઉંમરના બે માણસો બેઠેલા હતા. પિતા વીરાને સારવાર અર્થે માંડવીની સરકારી હોસ્પિટલમાં
ખસેડાયા, પરંતુ થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે
અજાણ્યા બોલેરો ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજી તરફ નખત્રાણાના
વડવાકાંયામાં રહેતા વૃદ્ધ ખીમજી ગરવા લકવા, ડાયાબિટિસની બીમારીથી
પરેશાન હતા. આ વચ્ચે આજે સવારે તેમણે એસિડ પી લેતાં તાત્કાલિક સારવાર અર્થે ગઢશીશા
લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે 108 મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
લવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાનું હોસ્પિટલની
પોલીસ ચોકીમાં વિગતો નોંધાઈ છે. આ ઉપરાંત અન્ય બનાવ અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ
ચોકીમાં રતનાલના રામજીભાઈ આહીરે નોંધાવેલી વિગતો મુજબ વાવડી વાડીવિસ્તારમાં રહેતા અને
તેમને ત્યાં મજૂરી કરતા રાજુ ઠાકોરે ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં નાખવાની
દવા પી લેતાં તેમને અહીં સારવાર અર્થે લઈ આવતાં ફરજ પરના તબીબે રાત્રે મૃત ઘોષિત કર્યા
હતા.