ભુજ, તા. 20 : માધાપરની 28 વર્ષીય યુવતીનો પરિચય કેળવી
વીડિયો કોલ કરી તેના ક્રીનશોટ પાડી બનાવટી આઈડી બનાવી તેમાં વાયરલ કરી પજવણી કર્યાની
મોબાઈલ નંબરધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં તે નંબરના વપરાશ કરતા શખ્સને બનાસકાંઠાથી
રાઉન્ડઅપ કરાયાનું સામે આવ્યું છે. આ અંગે આજે માધાપર પોલીસ મથકે ભોગ બનનાર યુવતીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીના મોબાઈલ નંબર મેળવી તેનાથી વાતચીત કરીને પરિચય
કેળવ્યા બાદ વીડિયો કોલથી વાતચીત કરતો હતો અને આરોપીએ આ વીડિયો કોલના ક્રીનશોટ પાડી
લીધા હતા. ફરિયાદીએ વાતચીત કરવાનું બંધ કરતાં આરોપીએ ધમકી આપી હતી કે, જો તે વાત નહીં કરે તો વીડિયો કોલના પાડેલા
ક્રીનશોટ વાયરલ કરી દેશે. બાદમાં આરોપીએ ફરિયાદીના નામની બનાવટી આઈડી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ
પર બનાવી વાયરલ કરી પજવણી કરી હતી. આમાં આરોપી તરીકે મોબાઈલ નંબર ફરિયાદીએ જાહેર કરતાં
આ નંબરના વપરાશકર્તા શખ્સને બનાસકાંઠાથી રાઉન્ડઅપ કરી લેવાની વિગતો માધાપર પોલીસે આપી
છે. ખરાઈ બાદ આરોપીની વિગતો જાહેર કરાશે. આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ તળે ગુનો દાખલ થયો
છે.