• શુક્રવાર, 09 મે, 2025

ઓવરલોડ વાહનો સામે ફરી લાલઆંખ ક્યારે ?

ભુજ, તા. 18 : કચ્છમાં ઔદ્યોગિક વિકાસ અને ગતિવિધિ વધતાં પરિવહનક્ષેત્રે પણ ધમધમાટ વચ્ચે નિયત જથ્થા કરતાં વધુનાં વહન એટલે કે, ઓવરલોડનું દૂષણ લાંબા સમયથી ઘર કરી ગયું છે અને હવે તો તમામ વસ્તુનાં પરિવહનમાં ઓવરલોડે માઝા મૂકી હોવાની ફરિયાદ સર્વત્રથી ઊઠી રહી છે. મળતી વિગત મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત પરિવહન વાહનોની વજનક્ષમતામાં કરાતા ફેરફારને ઓવરલોડ કરવામાં પારંગત તત્ત્વોએ ગેરફાયદા તરીકે લીધાનું પણ સપાટી પર આવ્યું છે. ઓવરલોડ સામે આરટીઓ તંત્રે છેલ્લા ત્રણ મહિનામાં કાર્યવાહી કરીને 992 વાહનને 1.69 કરોડના દંડના મેમા ફટકાર્યા છે, જે આ દૂષણ કેટલા વ્યાપક પ્રમાણમાં ઘર કરી ગયું છે તે દેખાડતું હોવાનું પરિવહન વ્યવસાયને જાણનારા જણાવી રહ્યા છે. મળતી વિગતો મુજબ બેફામ રીતે દોડતાં વાહનોથી અનેક રસ્તાઓ ગાડાવાટ જેવા બની ગયાની ફરિયાદો પણ વ્યાપક બની છે. એટલું જ નહીં, હાઈવે પર ધસમસતી રીતે આગળ વધતાં આવાં વાહનોથી અન્ય વાહનોને પણ જોખમ ઊભું થતું હોય છે. - દરેક માલ ઓવરલોડ : અગાઉ માત્ર લિગ્નાઈટ પૂરતું સીમિત રહેલું ઓવરલોડનું દૂષણ હવે ખનિજ, મીઠું સહિત તમામ વસ્તુઓમાં પેસી ગયું હોવાનું કહેતાં જાણકારોએ કહ્યું કે, સામાન્ય રીતે પરિવહન માટે સરકાર દ્વારા વાહન દીઠ અલગ-અલગ વજનક્ષમતા નિયત કરવામાં આવી છે અને તેમાં પણ સરકાર દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવ્યા હતા અને હાલમાં કુલ ક્ષમતા પર પાંચ ટકા જેવી છૂટછાટ ખુદ સરકાર દ્વારા જ આપવામાં આવે છે, જેનો ગેરફાયદો પણ ઓવરલોડ કરનારા ભરપૂર માત્રામાં ઉઠાવી રહ્યા હોવાનું જાણકારોએ કહ્યું હતું. માલ ભરીને જતાં વાહન માટે જીવીડબ્લ્યુ એટલે કે, ગ્રોસ વ્હીકલ વેઈટનો માપદંડ તંત્ર ધ્યાને લેતું  હોય છે. સામાન્ય રીતે ટ્રકનો જીવીડબ્લ્યુ 18.5 ટન, 28 ટન, 35 ટન, 42 ટન, 45.5 ટન અને 55 ટન રહેતો હોય છે એમ કહેતાં જાણકારોએ કહ્યું કે, તપાસ દરમ્યાન અનેક વાહન એવાં ઝડપાતાં હોય છે, જે નિયત ક્ષમતા કરતાં અનેકગણો વધુ માલ ભરીને જતાં હોય છે. નિયમિત ઝુંબેશની જરૂર વખતોવખતની ફરિયાદો બાદ સક્રિય બનતાં આરટીઓ તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ રૂપે અને નિયમિત તપાસના ભાગરૂપે કરાતી કાર્યવાહી દરમ્યાન અનેક વાહન ઝડપાતાં હોય છે, જ્યારે યેનકેન પ્રકારે આગોતરી જાણ થઈ જતી હોવાથી અનેક ઓવરલોડ વાહન તપાસમાંથી બચતાં પણ હોય છે. તંત્રે ફરી એક વખત આ પ્રકારનાં ઓવરલોડ વાહનો સામે અસરકારક ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ ઊઠી રહી છે. તંત્રની તપાસમાં કોઈ માલવાહક ઓવરલોડ વાહન ઝડપાય તેને મેમો જારી કરવામાં આવે છે. હાલના સમયમાં મોટાભાગના કેસમાં ઓવરલોડ વાહનને મેમો આપીને જવા દેવાતાં હોય છે. કોઈક કિસ્સામાં વાહન ડિટેઈન કરવામાં આવતાં હોય છે અને તેને નજીકનાં પોલીસ મથકે અથવા આરટીઓ કચેરી ખાતે મૂકવામાં આવતાં હોય છે. - મેમો ન ભરો તો બ્લેકલિસ્ટનો ખતરો : મેમો જારી થાય તેને ત્રણ મહિનાની અંદર ભરવો પડતો હોય છે. ઘણી વખત વાહનધારકો નિયત સમયમાં ઓવરલોડ મેમોની રકમ ભરતા હોતા નથી તેમને ત્રણ મહિના બાદ કોર્ટ કેસનો સામનો કરવાનો આવતો હોય છે. મેમો ન ભરનારા વાહનધારકનાં વાહનને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તે પછી તે વાહન રસ્તા પર દોડી શકતું નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd