• રવિવાર, 16 જૂન, 2024

બંગાળમાં રાજકીય હિંસા

કલા અને સંસ્કૃતિના સમન્વયનો સમૃદ્ધ વારસો ધરાવતાં પશ્ચિમ બંગાળમાં હવે રાજકીય હિંસાની સંસ્કૃતિ કાળી ટીલી સમાન બની ગઇ છે. રાજ્યમાં હાલત એવી છે કે તમામ ચૂંટણીઓ હિંસાથી ગ્રસ્ત બનવા લાગી છે. આવા બનાવોમાં સત્તાધારી પક્ષથી માંડીને વિરોધપક્ષોના કાર્યકરો સામેલ થતા રહ્યા છે. રાજ્યમાં ક્યાંય પણ નાની કે મોટી ચૂંટણી જાહેર થાય તે સાથે હિંસાના બનાવોનો સિલસિલો ચાલુ થઇ જતો હોય છે.  હવે તો એવી હાલત છે કે લોકશાહીનાં પર્વમાં રાજકીય હિંસા હવે મોટું શત્ર બની ગઇ છે. તાજેતરમાં 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકરની હત્યા થઇ અને તે પછી એકઠી થયેલી ભીડે એક હુમલાખોરને ત્યાંને ત્યાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાથેસાથે સંખ્યાબંધ ઘરોમાં તોડફોડ કરાઇ અને આગ ચાંપવામાં આવી. જે કાર્યકરની હત્યા થઇ તે તૃણમૂલના ક્ષેત્રિય એકમનો વડો હતો અને તેની પત્ની સરપંચ છે. સ્વાભાવિક રીતે તૃણમૂલ આ બનાવ માટે ભાજપ અને સામ્યવાદી પક્ષનો ટેકો ધરાવતા ગુંડાને જવાબદાર ગણાવી રહ્યા છે. હિંસાના દરેક બનાવ બાદ બને છે તેમ સામસામા રાજકીય આરોપોનો સિલસિલો ચાલુ થયો છે. કમનસીબે હાલત એવી છે કે રાજ્યમાં સત્તાધારી પક્ષના કાર્યકરની હત્યા થઇ હોવા છતાં રાજ્ય સરકાર પ્રાથમિક પગલાં લઇ લીધાં બાદ આગળ કોઇ કાર્યવાહી કરવાની તસ્દી લેતી નથી. આ જ કારણ છે કે રાજ્યમાં રાજકીય હિંસા બેરોકટોક ચાલતી રહે છે. ગુંડાઓની હિંમત સતત વધી રહે છે. આ વર્ષે જુલાઇમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીઓમાં 12 જણાનાં મોત થયાનો સત્તાવાર આંકડો હતો, પણ સરકારી તંત્ર આવા બનાવોને રોકવા માટે કોઇ પગલાં લેતું ન હોવાની કમનસીબી સતત અનુભવાતી રહી છે. એક અંદાજ મુજબ બંગાળમાં દર વર્ષે સરેરાશ 20 રાજકીય હત્યા થતી રહે છે. આનાથી સ્પષ્ટ છે કે ત્યાં રાજકીય હિંસા અને હત્યા હવે સામાન્ય બાબત બની રહી છે. હાલત એવી છે કે પંચાયતોની ગઇ ચૂંટણીઓ સમયે મોટી સંખ્યામાં કેન્દ્રીય દળોને તૈનાત કરાયા હતા, પણ હિંસાના બનાવો વધ્યા હતા અને અગાઉની સરખામણીએ તેમાં વધુ લોકોનો ભોગ લેવાયો હતો. વક્રતા એ છે કે ભારત જેવા લોકશાહી દેશમાં બંગાળના રાજકીય પક્ષો તેમના આધારને મજબૂત બનાવવા કાર્યકરોને છૂટોદોર આપતા હોય છે. આ માટે તેમને રાજકીય હિંસા માટે પ્રોત્સાહિત કરતાં પણ આ પક્ષો ખચકાતા નથી હોતા. મમતા બેનર્જી પોતે સ્વચ્છ વહીવટના દાવા જરૂર કરે છે, પણ પોતાના હિંસક કાર્યકરોને શિસ્તમાં રાખવામાં કોઇ પગલાં લેતાં નથી. હવે તો બંગાળમાં દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ જ હિંસાની ટીલીને ધોઇ શકે તેમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang