હૈદરાબાદ, તા. 15 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે
ચોથા મુકાબલામાં 24 રને થયેલા
પરાજય બાદ શ્રેણી હાલ 2-2ની બરાબરી
પર છે. હવે 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી
સ્ટેડિયમ ખાતે રમાનારી પાંચમી મેચ શ્રેણી વિજેતાનો ફેંસલો કરશે. જોકે, આ નિર્ણાયક મેચ પૂર્વે ભારતીય ટીમ મેનેજમેન્ટ
માટે અર્શદીપ સિંહની ફિટનેસ ચિંતાનો વિષય બની છે. હૈદરાબાદ ખાતે રમાયેલી ચોથી ટી20માં અર્શદીપને ખભાના ભાગે ઇજા થતાં તેને
મેદાન છોડવું પડ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે બુધવારે રમાયેલી મેચમાં
ભારતીય ઇનિંગ્સની આખરી ઓવર દરમિયાન કેરેબિયન
ફાસ્ટ બોલર શમર જોસેફનો અત્યંત તેજ ગતિનો બાઉન્સર સીધો અર્શદીપના ખભા પર વાગ્યો હતો.
બોલ વાગતાં જ અર્શદીપ ભારે દુખાવામાં દેખાયો હતો. મેદાન પર જ ફિઝિયો દ્વારા તેને પ્રાથમિક
સારવાર આપવામાં આવી હતી, પરંતુ દર્દ
વધુ હોવાને કારણે તે આગળ રમી શક્યો નહોતો અને મેદાન બહાર જવું પડ્યું હતું. મેચ બાદ
યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને અર્શદીપની ઇજા અંગે વિગતો
આપતાં જણાવ્યું હતું કે, અર્શદીપ હાલ તેના ખભા પર આઈસ-પેક લગાવી
રહ્યો છે. તેને અત્યંત તેજ ગતિનો બોલ વાગ્યો હતો. અમે આશા રાખીએ છીએ કે તે ઝડપથી સાજો
થઈ જશે અને જલદી રિકવરી મેળવશે. જોકે, બોર્ડ કે ટીમ મેનેજમેન્ટ
તરફથી હજુ સુધી અર્શદીપની ઇજાની ગંભીરતા અંગે કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જારી કરવામાં
આવ્યું નથી. તેથી બેંગલુરુ ખાતેની આખરી મેચમાં તે ઉપલબ્ધ રહેશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા
પ્રવર્તે છે.