રશ્મિન પંડયા દ્વારા : અંજાર ,તા. 15 : તાલુકાના ભીમાસર ગામે માનવસેવા
અને કરુણાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર
દ્વારા અન્નદાન શ્રેષ્ઠ દાનના સંકલ્પને ચરિતાર્થ કરાયો છે. આજથી નિ:શુલ્ક ટીફીન સેવાનો આરંભ કરાયો હતો. બાબુભાઈ હુંબલ અને જખાભાઈ હુંબલ દ્વારા સર્વ જ્ઞાતિના
જરૂરિયાતમંદ પરિવારો માટે નિ: શુલ્ક સાત્વિક ભોજન ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેવાકાર્ય થકી ગામના
આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને ભોજનનો સહારો મળી રહેશે. ભારાપર જાગીરના
મહંત શ્રી ભરત દાદા, ભાગવતાચાર્ય
દિનેશભાઈ રાવલ તથા અંજાર રામસખી મંદિરના મહંત
કીર્તિદાસજી મહારાજના સેવાની હસ્તે
પ્રજ્વલિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતોએ આશીર્વચન પાઠવી હુંબલ પરિવારના સેવાભાવી
પ્રયાસને બિરદાવ્યો હતો અને માનવસેવાના આ કાર્યને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ભીમાસર ગામના સહારા ગેટથી
કાર્યક્રમ સ્થળ રબારી સમાજવાડી સુધી સંતોનું સામૈયું કાઢવામાં આવ્યું હતું. આ અવસરે સેવાયજ્ઞના પ્રેરક જખાભાઈ હુંબલ અને બાબુભાઈ
હુંબલે જણાવ્યું હતું કે, જગતમાં માનવસેવા કરતાં શ્રેષ્ઠ કોઈ
સેવા નથી અને તેમાં પણ અન્નસેવા સર્વોત્તમ છે. જરૂરિયાતમંદ અને દરિદ્રનારાયણોની જઠરાગ્નિ
ઠારવાનો અવસર મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત હોવાની લાગણી વ્યકત કરી હતી. પરમાત્માએ
અમને આ સેવા કરવાની તક આપી છે તે બદલ પરમાત્મા નો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય
છે કે આજથી ભીમાસર ના આર્થિક / શારીરિક રીતે અશક્ત જરૂરિયાત મંદ પરિવારો માટે પ્રારંભ
માં 50 નિ: શુલ્ક ટિફિન સેવા નો પ્રારંભ
કરવામા આવ્યું છે, જેમાં દરરોજ
શુદ્ધ અને સાત્વિક ભોજન ની સેવા આપવામાં આવશે , તેમજ દર રવિવારે
આ પરિવારજનો માટે ભોજન માં વિશેષ ફરસાણ પણ પીરસવામાં આવશે. હુંબલ બંધુઓના આ સેવાભાવી
અભિગમથી ભીમાસર ગામના જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાની સાથે સમાજમાં સેવા ના સંકલ્પ,
સમર્પણ અને માનવતાના મૂલ્યોને પણ પ્રોત્સાહન મળશે. નિ: શુલ્ક ટિફિન ભોજન
સેવાનો આ પ્રારંભ સમાજમાં સેવાભાવના વધુ વ્યાપક બને તે દિશામાં એક ઉમદા પહેલ બની રહેશે. ભુજના પૂર્વ ધારાસભ્ય અને આહિર સમાજ અગ્રણી શિવજીભાઈ
આહિર, ભીમાસર ગામના અગ્રણી મનજીભાઈ આહિર, હરેશભાઈ હુંબલ, દેવજીભાઈ ડાંગર , બાબુભાઈ ડાંગર, રવજીભાઈ મારાજ,બાબુભાઈ
વેલજી, મેમાભાઈ ગોગરા
સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.