મુંબઈ, તા. 15 : આમિર ખાનના ભાણેજ અને અભિનેતા
ઇમરાન ખાન સામે મુંબઈ પોલીસે કડક કાનૂની કાર્યવાહી કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની
માંગ સાથે યોજાયેલા રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને
28 ઓક્ટોબર 2026 સુધીમાં ભારત છોડી દેવાની સત્તાવાર
નોટિસ પાઠવી દીધી છે. વિદેશી નાગરિક હોવા છતાં દેશના આંતરિક રાજકીય આંદોલનમાં ભાગ લેવા
બદલ આ મોટું એક્શન લેવામાં આવ્યું છે. દરમ્યાન, ઇમરાને આ નોટિસ વિરુદ્ધ હાઇકોર્ટમાં જવાનો ફેંસલો
કર્યો છે. ગત 10 ઓક્ટોબરના
મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે `કોકરોચ જનતા પાર્ટી' દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ પ્રદર્શનમાં અભિનેતા ઇમરાન ખાન પણ સામેલ થયો હતો. તે સમયે મુંબઈ પોલીસે
સ્થળ પરથી ઇમરાન ખાન સહિત અનેક લોકોની અટકાયત કરી હતી અને બાદમાં તે જ સાંજે છોડી મૂક્યા
હતા. જોકે, તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે
ઇમરાન ખાન ભારતીય નાગરિક નથી. તેમની પાસે અમેરિકન નાગરિકત્વ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા
કાર્ડ છે. ભારતીય કાયદા મુજબ કોઈપણ વિદેશી નાગરિક ભારતમાં રાજકીય આંદોલન કે પ્રદર્શનમાં
ભાગ લઈ શકતો નથી. આથી મુંબઈ પોલીસે ઈમિગ્રેશન એક્ટની કલમ 7 અને 29 હેઠળ કાર્યવાહી કરીને તેને દેશ છોડવાની નોટિસ ફટકારી છે. પૂર્વ
ભાજપ સાંસદ કિરિટ સોમૈયાએ મુંબઈ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ કુમાર શર્માને પત્ર
લખીને આ અંગે ગંભીર વિરોધ નોંધાવ્યો હતો. સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે એક વિદેશી નાગરિક
હોવા છતાં ઇમરાન ખાને કઈ પરવાનગીથી રાજકીય પ્રદર્શનમાં ભાગ લીધો? તેમણે આ મામલે તાત્કાલિક તપાસ કરી ઇમરાન ખાનને
દેશનિકાલ કરવાની માંગ કરી હતી, જેના આધારે પોલીસે આ આકરાં પગલાં
ભર્યાં છે.