રાયપુર, તા. 15 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની
નવનિયુક્ત કેપ્ટન સ્મૃતિ મંધાના ઝિમ્બાબ્વે સામેની આગામી હોમ સિરીઝમાં ક્રિકેટના ઈતિહાસમાં
રેકોર્ડ બનાવી શકે છે. જે રેકોર્ડ સિદ્ધિ પુરુષ કે મહિલા ક્રિકેટમાં આજદિન સુધી કોઈ
બેટ્સમેન હાંસલ કરી શક્યું નથી. મંધાના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રનનો જાદુઈ આંકડો પાર કરનારી વિશ્વની સર્વપ્રથમ બેટ્સમેન બનવાથી
માત્ર 133 રન દૂર છે. ભારત અને ઝિમ્બાબ્વે
વચ્ચે ત્રણ મેચોની ટી20 શ્રેણીનો
પ્રથમ મુકાબલો 16 ઓક્ટોબરે રાયપુર ખાતે રમાશે.
વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
પદાર્પણ કરનારી 28 વર્ષીય ડાબોડી
ઓપનર મંધાના છેલ્લા એક દાયકાથી ભારતીય બાટિંગની કરોડરજ્જુ રહી છે. તેણે કુલ 4,867 રન 127.47ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા
છે. જેમાં 2 સદી અને 37 અર્ધસદી સામેલ છે. જો મંધાના
આ ત્રણ મેચોમાં બાકી રહેલા 133 રન બનાવી
લેશે તો તે વિશ્વ ક્રિકેટમાં 5,000 ટી20 ઇન્ટરનેશનલ રન ક્લબની એકમાત્ર
સભ્ય બની જશે. આ શ્રેણી મંધાનાની કારકિર્દી માટે બેવડી રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પ્રથમ વખત ભારતીય ટીમની કાયમી કેપ્ટન
તરીકે મેદાન પર ઉતરશે. એશિયન ગેમ્સમાં ભારતીય ટીમને ક્રિકેટમાં ગોલ્ડ મેડલ અપાવ્યા
બાદ અનુભવી કેપ્ટન હરમનપ્રીત કૌરે સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ પસંદગીકારોએ મંધાનાને સુકાન સોંપ્યું છે.