ભુજ, તા. 15 : વિશ્વમાંથી ભૂખમારો નાબૂદ કરવા
અને દરેક વ્યક્તિને પૂરતું પૌષ્ટિક ભોજન મળી રહે તેવા ઉદ્દેશ સાથે દર વર્ષે 16મી ઓકટોબરે વિશ્વ ફૂડ-ડેની ઉજવણી કરાય છે
તેને સાર્થક કરવા ભુજની સંસ્થા માનવજ્યોત દ્વારા 22 વર્ષથી અવિરત `વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે' અભિયાન ચલાવાય છે. વિશ્વમાંથી ભૂખમરો નાબૂદ કરવા અને દરેક વ્યક્તિને
પૂરતું પૌષ્ટિક ભોજન મળી રહે તે આ દિવસનો મુખ્ય સંદેશ છે. વધતી મોંઘવારી અને બેરોજગારી
વચ્ચે અનેક ગરીબ પરિવારો બે ટંકનાં ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે અન્નનો બગાડ
અટકાવી ભૂખ્યાના પેટનો ખાડો પૂરવો એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ભૂખમરાનાં કારણે
અથવા પૂરતો અને પૌષ્ટિક ખોરાક ન મળવાનાં કારણે અનેક માનવીઓ અને બાળકો ભૂખથી મૃત્યુ
પામે છે. અનેક લોકોને એક ટાઈમ ખાવા મળે તો અનેક ભૂખ્યા સૂઇ જાય. બાળકોને પૌષ્ટિક ખોરાક
મળતો નથી. પરિણામે બાળકો પણ બીમારીઓનો ભોગ બનતાં રહે છે. આવા સંજોગોમાં જેમને ઇશ્વરે
ઘણું આપ્યું છે એવા શ્રીમંત પરિવારોએ આવા જરૂરતમંદ પરિવારોની મદદે આવવું જોઇએ. અન્નદાન
મહાદાન છે. ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ. માનવજ્યોત
સંસ્થા, ભુજ દ્વારા `વધી પડેલી રસોઈ ગરીબોનાં ઝૂંપડે' અભિયાન હેઠળ ભુજ તથા આસપાસના વિસ્તારોમાં લગ્નપ્રસંગો,
ધાર્મિક કાર્યક્રમો અને અન્ય શુભ પ્રસંગોમાં વધેલી તાજી રસોઈ સંસ્થાના
વાહન દ્વારા એકત્ર કરી ગરીબો, શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ પરિવારો
સુધી પહોંચાડવામાં આવે છે. આ વધી પડેલી રસોઇમાંથી દર વર્ષે અંદાજે અઢી લાખ લોકોને ભરપેટ
ભોજન આપવામાં આવે છે. સંસ્થાનું વાહન ભુજ વિસ્તારમાં 20 કિલોમીટર સુધીમાં સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી રસોઈ એકત્ર કરવા કાર્યરત રહે
છે. આ કામગીરીથી એક તરફ અન્નનો બગાડ અટકે છે, તો બીજી તરફ ભૂખ્યા પરિવારો અને બાળકોને ભોજન મળી રહે છે. ભોજન વિતરણ સાથે
ગરીબ પરિવારોને વ્યસનમુક્તિ અને પારિવારિક સુખાકારી અંગે પણ સમજ આપવામાં આવે છે. આ
સેવાકાર્યમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનું માર્ગદર્શન અને સહકાર પ્રાપ્ત થાય છે. માનવજ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજાસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવાસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક
બાવા સહિત સંસ્થાના કાર્યકરો અને કર્મચારીઓ આ સેવાયજ્ઞમાં જોડાયેલા છે. `અન્નનો એક-એક કણ બચાવો, ભૂખ્યાને ભોજન કરાવો' એ સંદેશ સાથે માનવજ્યોત સંસ્થાએ આવી સેવાપ્રવૃત્તિ દરેક શહેર અને ગામમાં શરૂ
કરવા અનુરોધ કર્યો હતો.