• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

સુપ્રીમ એક્શનમાં; કેન્દ્રને નોટિસ-રાહુલનું પૂછાણું લીધું

સીજેપી દેખાવકારો પર કાર્યવાહી - જંતરમંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવવા મુદ્દે સરકારનો જવાબ માગ્યો : નવી દિલ્હી, તા. 15 : દેશમાં મતદારયાદી સુધારણા (સર)ની કવાયતમાં ગરબડની રાવ સાથે ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ કરતાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ છેડેલા આંદોલનનો અવાજ દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે. પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી સહિત મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે આકરું વલણ અપનાવ્યું હતું અને કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. સુપ્રીમે આજે સીજેપી પ્રદર્શન દરમ્યાન મેટ્રો અને ઈન્ટરનેટ બંધ કરવા તેમજ જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવવાના ફેંસલા પર કેન્દ્ર સરકારને નોટિસ આપી, જવાબ માગ્યો હતો. સાથોસાથ, સર્વેચ્ચ અદાલતે 10 ઓક્ટોબરના સીજેપી પ્રદર્શનના તમામ સીસીટીવી ફૂટેજ સંભાળીને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી બદલ પણ કેન્દ્ર સરકારને નોટિસ આપતાં અદાલતે કહ્યું હતું કે, સરકારે આ કાર્યવાહી અંગે જવાબ આપવો પડશે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે પ્રદર્શનકારીઓ, પત્રકારો અને કેન્દ્ર સરકારના પગલાંઓ સાથે જોડાયેલા નવ અલગ-અલગ મામલાઓ પર સુનાવણી કરી હતી. પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી સાથે જોડાયેલા તમામ મામલામાં નોટિસ આપતાં સુપ્રીમે પોલીસ અને એજન્સીઓને આદેશ આપ્યો હતો કે પ્રદર્શનના  તમામ સીસીટીવી, ડિજિટલ ફૂટેજ સુરક્ષિત રાખે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહિલા પત્રકારો સાથે પોલીસ દ્વારા મારપીટના આરોપોની તપાસ માટે કોર્ટ એક સમિતિ રચશે. અદાલતે એક મહિલા પત્રકારની ધરપકડ પર રોક મૂકવાનો પણ સીધો નિર્દેશ આપ્યો હતો. અદાલતે પ્રદર્શનો પર થયેલી કાર્યવાહી તેમજ મતદારયાદીમાંથી નામ કાપવાના મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમે કેન્દ્ર સરકારને આ તમામ મામલામાં કાઉન્ટર એફિડેવિટ એટલે કે, જવાબી સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પત્રકારોના ફોન જપ્ત કરવાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. - 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધીની કૂચને લઈને વિપક્ષી નેતાનો માગ્યો ખુલાસો : નવી દિલ્હી, તા. 15 : મતદાર યાદીની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે `સર'માં કથિત ગરબડો અને મનસ્વી રીતે મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે વિપક્ષ ચૂંટણી પંચ અને સરકારનો સતત વિરોધ કરી રહ્યો છે. આ દરમિયાન 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલી માર્ચ અને દેખાવોનો મુદ્દો ભારે  ગરમાયો છે.  સર્વોચ્ચ અદાલતે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના દેખાવો મુદ્દે ખુલાસો માગ્યો છે.  આ મામલે સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી છે, તો બીજી તરફ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના વિવાદાસ્પદ દેખાવો અને માર્ચ મુદ્દે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ તેમજ અન્ય પ્રદર્શનકારીઓને પણ નોટિસ ફટકારીને સ્પષ્ટતા  માંગવામાં આવી છે. આ સુનાવણી વખતે ચીફ જાસ્ટિસ સૂર્યકાંતે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે,  `અમે કાચના ટાવરમાં નથી બેઠા. આ ન્યાયતંત્રને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ છે. કોર્ટ બહાર અપાઈ રહેલા નિવેદનોથી અમે વાકેફ છીએ.' આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે, આ વિરોધ પ્રદર્શનો વખતે ભીડ સુપ્રીમ કોર્ટના પરિસરમાં કેવી રીતે પ્રવેશી. રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ઇન્ડિયા ગઠબંધન દ્વારા `ચલો દિલ્હી, લોકશાહી માર્ચ'નું આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકો દિલ્હીમાં ભેગા થયા હતા. આ માર્ચ કાઢવાનો વિપક્ષનો હેતુ કેટલીક માંગ પૂરી કરવાનો હતો. જેમ કે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેમજ `સર' પ્રક્રિયા પર તાત્કાલિક રોક લાગે. આ માર્ચ કનોટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધી ત્યારે પોલીસે બારાખંભા રોડ નજીક તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને ભગવાન દાસ રોડ પર કેટલાક સમર્થકો પોલીસના વાહનો અને બસ પર ચડી ગયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd