કોલંબો, તા. 7 : શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી
અગાઉ ટીમ ઇન્ડિયાની ચિંતા વધી છે. કપ્તાન શુભમન ગિલ ઇજાને લીધે અભ્યાસ મેચના પહેલા
દિવસે મેદાનમાં ઉતરી શકયો ન હતો. આથી ટીમની કપ્તાન કેએલ રાહુલે સંભાળી હતી. શુભમન ગિલને
ગુરુવારે જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી. ગિલને ઇજા વિશે બીસીસીઆઇએ કહ્યું છે કે સાવધાની
માટે તેને શ્રીલંકા ઇલેવન વિરૂધ્ધના અભ્યાસ મેચમાં પહેલા દિવસે મેદાનમાં ઉતારવામાં
આવ્યો નથી. મેડિકલ ટીમ તેની ઇજા પર સતત નજર રાખી રહ્યું છે. હવે એ જોવાનું રહે છે કે
કપ્તાન ગિલ મેચના બીજા કે ત્રીજા દિવસે મેદાનમાં આવે છે કે નહીં. ભારતીય ટીમના ઘણા
ખેલાડીઓ ઇજા કે ફિટનેસ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સાઇ સુદર્શન હજુ અનફિટ છે. આથી
શ્રીલંકા પહોંચ્યો નથી. પીઠના દર્દને લીધે બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી બહાર
થઇ ગયો છે. એ પહેલા વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા અને નીતિશકુમાર રેડ્ડી ઇજાને લીધે શ્રેણી બહાર થયા હતા.