• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

સામખિયાળીમાં 2.16 લાખના હેરોઇન સાથે બે શખ્સની અટક

ગાંધીધામ, તા. 7 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં સંઘવી પેટ્રોલ પંપ પાછળ રેલવે કોલોની તરફ જતી શેરીમાંથી પોલીસે બે શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂા. 2,16,800નું હેરોઇન જપ્ત કર્યું હતું. આ બનાવમાં માદક પદાર્થ આપનાર મહિલા તથા શખ્સનું નામ બહાર આવ્યું હતું. સામખિયાળી પોલીસે ગઇકાલે સાંજે આ કાર્યવાહી કરી હતી. અનવર લધાણી તથા રોમનજીતસિંહ શીખ નામના શખ્સે સંઘવી પેટ્રોલ પંપ પાછળ રેલવે કોલોની તરફ જતી શેરીમાંથી નીકળી માદક પદાર્થ વેંચવા જવાના હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ શેરીમાં વોચ ગોઠવી હતી. તેવામાં અંધારામાં બે શખ્સો આવતા પોલીસે બંનેને અટકાવી તલાશી લીધી હતી જેમાં બંનેના ખિસ્સામાંથી જુદી જુદી પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી. આ કોથળીમાં શું છે તેવું પુછતાં બંનેએ નશો કરવાનું ચિકો હેરોઇન હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન બંનેને પોલીસ મથકે લઇ જઇ આ અનવર ઇશા લધાણી તથા રોમનજીતસિંહ સુખદેવસિંઘ શેરગીલની ધરપકડ કરાઇ હતી. બે જુદી જુદી પ્લાસ્ટીકની થેલીમાં મળી આવેલા ક્રીમ રંગના ભીના ચિકણા જેવા ગાંગડાનું પૃથ્થકરણ કરવા એફ.એસ.એલ. અધિકારીને અહીં બોલાવાયા હતા અધિકારીએ આવીને પ્રાથમિક પૃથ્થકરણ કરતા આ પદાર્થ હેરોઇન હોવાનો અભિપ્રાય આપ્યો હતો આ બંને શખ્સો પાસેથી રૂા. 2,16,800નો 10.84 ગ્રામ હેરોઇન જપ્ત કરાયો હતો. અનવરની પૂછપરછ કરાતા તેણે સામખિયાળીમાં સરદારજી પાસેથી 12 ગ્રામ આ પદાર્થ લીધો હોવાનું બહાર આવ્યું  હતું. તેમજ રોમનજીતને મુસ્કાન અનવર લધાણીએ  ફોન કરી ઘરે બોલાવી હેરોઇન આવી ગયાનું કહી 1.96 ગ્રામ હેરોઇન આપ્યું હોવાનું સામે આવ્યું હતું. હાથમાં આવેલ મુસ્કાન અને સરદારજીને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Panchang

dd