• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

વરસાદ બાદ ભોયડ કાંઠો સોળેકળાએ પાંગર્યો

વિથોણ (તા. નખત્રાણા) તા. 7 : વરસાદનાં આગમન બાદ ભોયડ નદીનો વિસ્તાર દીપી ઊઠ્યો છે. નદી કિનારો પક્ષીઓ માટે મિની અભયારણ્ય બની ગયો છે. મોરજર-ભડલી માર્ગ ઉપર આવેલી ભોયડ નદી પંથકને વારસામાં મળેલી પ્રકૃતિની અણમોલ ભેટ છે. પ્રકૃતિપ્રેમીઓના જણાવ્યા મુજબ ભોયડ નદી જિલ્લાની સૌથી લાંબી અને ઊંડી નદીઓમાંની એક છે. આ નદી 53 કિ.મી. લાંબી અને અનેક જગ્યાએ 60થી 80 ફૂટની ઊંડાઈ ધરાવે છે. ભોયડ નદીનું ઉદ્ગમસ્થાન જિયાપર અને મંગવાણા નજીક આવેલા ધ્રબુવા ડુંગરનો વિસ્તાર છે, જેનું પાણી વેદડી નદીના સ્વરૂપે પુંઅરેશ્વર નજીકથી નીકળે છે. વેદડીના પ્રવાહમાંથી પાલરધુનામાં ધોધ સ્વરૂપે વહે છે. બીજી બાજુ પંથકનો અધોછની ડેમના ઓગનમાંથી નીકળતો પાણીનો પ્રવાહ ભોયડ નદી સ્વરૂપે નીકળે છે અને બન્ને નદીનું મિલન આધોછનીના સીમાડામાં થાય છે. ભોયડ નદી 300 ફૂટ મોકળી અને 80 ફૂટ ઊંડાઈ ધરાવે છે, જેના જળપ્રવાહ પ3 કિ.મી.નો પંથ કાપીને અનેક વિસ્તારોને હરિયાળો રાખે છે. ભોયડ નદીના કાંઠા વિસ્તાર અને ભૂગર્ભ વિસ્તારમાં અનેક ખનિજ તત્ત્વો ધરબાયેલા છે. અનેક જગ્યાએ ગ્રેનાઈટના પથ્થરો ચમકતા જોવા મળે છે. અનેક દુલર્ભ વનસ્પતિઓ અને આરોગ્યપ્રદ ઔષધિઓ આવેલી છે. વરસાદ પછી ભોયડ કાંઠે હરિયાળી છવાઈ છે. મોર, પોપટ, કબૂતર, ચકલાની જુદી-જુદી પ્રજાતિ  બગલા અને મગર તથા અન્ય જળચર પ્રાણીઓનો વસવાટ નદીના તળમાં છે. મગર ક્યારેક મંદિર સુધી લટાર મારવા આવે છે તેવું નારાણભારથીએ જણાવ્યું છે.

Panchang

dd