કોલંબો તા. 7 : અભ્યાસ મેચમાં ભારતીય ટીમના બોલર્સને હંફાવીને શ્રીલંકા ઇલેવને
પહેલા દિવસની રમતના અંતે 8 વિકેટે 363 રનનો સારો સ્કોર બનાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાની નબળી ફિલ્ડિંગ જારી રહી હતી અને ભારતીય ફિલ્ડર્સે કેટલાક કેચ પણ પડતા
મૂક્યા હતા. ભારત તરફથી ત્રણ સ્પિનર રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથારને 2-2 વિકેટ મળી હતી. ઝડપી બોલર ગુરનૂર
બ્રારે એક વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી બન્ને ઓપનરે અર્ધસદી કરી 110 રનની ભાગીદારી કરી હતી. નિશાન
મદુશ્કા 6પ દડામાં 11 ચોગ્ગા, 1 છગ્ગાથી ઝડપી
66 રન કરી રનઆઉટ થયો હતો. રવિંદુ
રસંતાએ 71 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રીલંકા
ઇલેવનના કેપ્ટન સોનલ દિનુશાએ બાવન રન કર્યા હતા. સૂજલા સૂર્યાબંડારાએ 3પ, અહાન વિક્રમાસિંઘેએ 31 અને રમેશ મેન્ડિસે 32 રન કરી ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો. મોહમ્મદ
સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પહેલા દિવસે વિકેટ વિહોણા રહ્યા હતા. અભ્યાસ મેચમાં ભારતની
બોલિંગ બેઅસર રહેતાં ચિંતા સર્જાઈ છે.