ભારતમાં નશાનું વધી રહેલું દૂષણ એક અભિશાપ બની ગયું છે. નશો
કરનારથી માંડીને સમાજ અને દેશને નબળા પાડતાં આ દૂષણ સામે દેશમાં એક સંકલ્પ અભિયાનનો
આરંભ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પની
શરૂઆત કરાવી છે. તેમણે ડ્રગ્સ પૂરા પાડવાના કારસાને દુશ્મન દેશોનું આતંકી કાવતરું ગણાવ્યું
છે. વડાપ્રધાનની આ વાતે નશાના દૂષણને વ્યક્તિગત આરોગ્ય તથા કાયદો અને વ્યવસ્થાની સમસ્યાથી
પણ વિશેષ રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો બનાવ્યો છે. ભારતે 2047ના વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર
બનવાની કમર કસી છે. આ લક્ષ્ય માત્ર આર્થિક વિકાસ,
આધુનિક ટેકનોલોજી કે મજબૂત માળખાંકીય
સુવિધાઓથી હાંસલ થશે નહીં. આ માટે સ્વસ્થ, સક્ષમ, શિક્ષિત અને નશામુક્ત યુવા પેઢીની અનિવાર્યતા રહેશે, જે ઉંમરમાં યુવાનોએ શિક્ષણ અને રમતગમત વાટે પોતાના વિકાસ તરફ અગ્રેસર થવાનું
હોય તે સમયે નશાની ચુંગાલમાં ફસાઈ જાય છે.
નશો તેમના અને દેશના ભવિષ્યની સામે ગંભીર જોખમ ઊભું કરે છે. યુવાનો બહુ સરળતાથી નશાની
જાળમાં ફસાઈ જાય છે. ઘડીભરના ઉન્માદ કે રાહત તેમને આરોગ્ય, નાણા,
કારકિર્દી અને સંબંધોનું નુકસાન કરે છે. આ નુકસાનથી વાકેફ થતાં યુવાનો
નશાને તિલાંજલિ આપવાને બદલે વધુને વધુ તેમાં ઊડા ઊતરતા જાય છે. વડાપ્રધાને આ દૂષણને
દુશ્મન દેશોનું કાવતરું ગણાવ્યું છે. હવે સરકારી એજન્સીઓએ તેની સામે ગંભીરતા સાથે પગલાં
લેવાની તાતી જરૂરત છે. હવે આ જંગ કાયદો અને
વ્યવસ્થાની લડાઈથી વિશેષ રાષ્ટ્રીય સલામતીને સાંકળતો થઈ ગયો છે. કેફી દ્રવ્યોનાં ઉત્પાદન,
હેરાફેરી અને વિતરણના નેટવર્કને તોડવાની ખાસ જરૂરત સામે આવી ચૂકી છે.
સરહદોથી માંડીને ધોરીમાર્ગો, શહેરો અને ગામડાં સુધી ડ્રગ્સનાં
દૂષણની સામે સતત ચાંપતી નજર રાખવાની જરૂરત છે. હવે નશાનું દૂષણ એટલું બધું વકરી ગયું
છે કે, યુવાનોને ડ્રગ્સ પૂરા પાડતાં નેટવર્કને તોડવાની સાથોસાથ
તેમેને માનસિક રીતે મજબૂત કરવા પર ધ્યાન વધારવાની ખાસ જરૂરત વર્તાઈ રહી છે. યુવાનોને
માત્ર પ્રવચનો દ્વારા નશાના માર્ગે ચડતાં રોકી શકાય તેમ ન હોવાને લીધે તેમને નશાના
નુકસાનથી વાકેફ કરવા વધુ અસરકારક માર્ગ શોધવા પર ધ્યાન અપાવું જોઈએ. નશાને લીધે થતી
શારીરિક નુકસાનીથી યુવાનોને અવગત કરાવવા અને હતાશામાંથી ઉગારવાના અન્ય માર્ગોથી તેમને
માહિતગાર કરવા ખાસ ધ્યાન અપાય તો તેમને વાસ્તવિકતાનું સાચું ભાન થઈ શકે. નવા અભિયાન
તળે 100 સપ્તાહ સુધી દર રવિવારે નશામુક્તિના
કાર્યક્રમ હાથ ધરવાની પહેલ તૈયાર થઈ છે. આ કાર્યક્રમમાં લોકોની ભાગીદારી જોડવામાં આવે
તો તે વધુ અસરકારક બની શકે તેમ છે. આવા કાર્યક્રમ માત્ર સરકારી જવાબદારીનો ભાગ બની
ન રહે અને તેને વધુને વધુ લોકભોગ્ય બનાવાય તો જ નશાની સામે જાગૃતિની સાચી પહેલ ઊભી
થઈ શકશે.