24 વર્ષીય ઇટાલિયન દિગ્ગજે ત્રણ કલાક 46 મિનિટના મુકાબલામાં જર્મનીના ઝવેરેવને હાર આપી
લંડન, તા. 12 : સેન્ટર કોર્ટ પર
બે દિગ્ગજ વચ્ચે રવિવારે જામેલા મુકાબલાના અંતે વર્તમાન વિજેતા યાનિક સિનરે શાનદાર
રમત રમી દુનિયાના બીજા ક્રમના ખેલાડી એલેકઝાન્ડર ઝવેરેવને હાર આપી હતી. પ્રભાવશાળી
જીત સાથે સિનરે સળંગ બીજો વિમ્બલ્ડન ખિતાબ જીતી લીધો હતો. ત્રણ કલાક અને 46 મિનિટ સુધી ચાલેલા મેરેથોન મુકાબલાના અંતે ઇટાલીના
યાનિક સિનરે જર્મનીના ઝવેરેવને હાર આપી હતી. 24 વખતના
વિજેતા નોવાક જોકોવિચને હરાવીને ખિતાબી મુકાબલામાં પહોંચેલા 24 વર્ષીય સિનરે ઝવેરેવને 6-7(7), 7-6(2),
6-3, 6-4થી પરાજય આપ્યો
હતો. સિનર 48 લાખ ડોલરનું ઇનામ પોતાના ઘરે ખિતાબ સાથે લઇ જશે, તો ઝવેરેવને ઇનામરૂપે 24 લાખ ડોલર મળશે. યાનિક સિનરે લગાતાર 10મી વાર જર્મન ખેલાડી ઝવેરેવને હાર આપી હતી. સિનરનો
આ પાંચમો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે. 2026 સીઝનમાં
સિનર અને જ્વેરેવ એટીપી ટૂરના સૌથી સફળ ખેલાડીઓમાં સામેલ રહ્યાં છે. જ્વેરેવે ચાલુ
વર્ષે 44 જીત અને 10 હારનો
વિક્રમ કર્યો છે, તો સિનરનાં નામે, 43 જીત
અને માત્ર ત્રણ હાર છે. ટૂર્નામેન્ટની શરૂઆત સંઘર્ષ સાથે કર્યા બાદ સિનરે દિગ્ગજ નોવાક
જોકોવિચને સીધા સેટોમાં 6-4, 6-4, 6-4થી હાર આપીને
શાનદાર રમત સાથે ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. બીજી તરફ, આખી ટૂર્નામેન્ટમાં બેહદ આક્રમણ રહેલા
જ્વેરેવે પોતાની દમદાર સર્વિસ અને સચોટ ગ્રાઉન્ડ સ્ટ્રોક્સનાં બળે એક પછી એક મજબૂત
ખેલાડીઓને હરાવ્યા. અંતિમ દોરમાં, બ્રિટનના વાઈલ્ડકાર્ડ ખેલાડી
આર્થર ફેરીને સીધા સેટોમાં હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો.