હીરાલાલ રાજદે દ્વારા - મુસા સુમરા દ્વારા : સુમરાપોર (પચ્છમ), તા. 25 : ભુજ તાલુકાના સરહદી-પચ્છમ વિસ્તારની સૂકીભઠ્ઠ પાણી માટે તરસી
રહેલી ધરા પર લાંબા સમય અને યાતના બાદ આખરે મેઘરાજાએ મોડી રાત્રે મંડાણ કરતાં માલધારી
અને ખેડુમાડુ મલકાતા ચહેરા સાથે રાજીરેડ બન્યો છે. ગઈ રાત્રે ખાવડા ખાતે 11થી 1 વાગ્યા સુધીમાં 44 મિલિમીટર તેમજ આખો દિવસ ઝરમર વરસાદથી સાત મિલિમીટર મળીને બે
ઇંચ વરસાદ થયો છે. ઉત્તર તરફનાં ગામડાં ધ્રોબાણા,
કાળા ડુંગર, મોટા, કોટડા
વગેરે ગામોમાં અંદાજે એકાદ ઇંચ વરસાદની માહિતી કુરનના અગ્રણી સ્વરૂપાજી શોઢાએ આપી હતી,
તો પૂર્વ તરફનાં ગામડાં જુણા, તુગા, જામકુનરિયા વિગેરે ગામોમાં પણ પોણાથી એક ઇંચ વરસાદની માહિતી જામકુનરિયાથી બિજલભાઇએ
આપી હતી. પાસી વિસ્તાર તરીકે જાણીતા અંધૌ, દદ્ધર, ખારી વિગેરે ગામોમાં પણ અડધાથી પોણા ઇંચ વરસાદની વાત ખીમાભાઈ આહીરએ કરી હતી.
આમ સમગ્ર પચ્છમ પંથકમાં વરસાદ થયો હોવાના વાવડ મળ્યા છે. કાળા ડુંગરથી કરી પચ્છમનાં
ગામડાંઓ અને રણકાંઠાના વિસ્તાર વગેરેમાં સારા વરસાદના વાવડ મળી રહ્યા છે, તો કાળાડુંગરમાં નદી-નાળાંઓનાં વહણે આવ્યા હોવાના સમાચાર માલધારી વર્ગે આપ્યા
હતા. પચ્છમ વિસ્તારમાં તોફાની વરસાદની એન્ટ્રી થઈ હતી. થોડા સમય માટે ચિંતા વ્યાપી
હતી, પરંતુ પછી ધીમીધારે વરસાદથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
- રણ જળબંબાકાર : સરહદી વિસ્તારમાં આર.ઈ. પાર્કમાં રણમાં
મોટાપાયે પાણી ભરાતાં ત્યાં રહેતા પરપ્રાંતીય મજૂરો મુશ્કેલીમાં મુકાયા હતા, તો સવારમાં સેંકડો મજૂરો કામ-ધંધા છોડી પોતાના
વતન ભણી રવાના થયા હતા. રણમાં પાણી વ્યાપક ભરાવનાં કારણે તમામ કામો હાલે ઠપ થવાની સંભાવના
છે.