નવી
દિલ્હી, તા. 25 : નીટ પેપર લીકથી દેશભરમાં છાત્રોની આત્મહત્યા, આક્રોશ, આંદોલનો, સડકથી સંસદ સુધી સંગ્રામ, અનશન, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના છાત્ર દેખાવકારોના
જંતરમંતર પર 36 દિવસથી
ઉગ્ર આંદોલન બાદ આખરે શનિવારે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી
દીધું હતું અને પ્રહલાદ જોશીને નવા શિક્ષણમંત્રી બનાવાયા છે. તેઓ ગ્રાહક બાબતોના મંત્રી
છે. આ રાજીનામાં બાદ તરત પ્રતિક્રિયા આપતાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ પોસ્ટ કરીને
કહ્યું હતું કે, કોકરોચની જીત થઇ છે. મોડેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનનું રાજીનામું
સ્વીકારી લીધું હતું. પ્રધાનનાં રાજીનામાં બાદ સીજેપીના પ્રતિનિધિઓ અને કેન્દ્રીયમંત્રીઓ
જે.પી. નડ્ડા તેમજ જિતેન્દ્રસિંહ વચ્ચે બાકીની માગણીઓ અંગે પણ બેઠક યોજાઈ હતી અને સરકારે
દેખાવકારો સામેની તમામ એફઆઈઆર અને કાનૂની મામલા પાછા ખેંચી લેવા તેમજ પેપર લીક બાદ
આપઘાત કરનારા છાત્રોના પરિજનોને નિયમ મુજબ મહત્તમ વળતર આપવાની માંગ સ્વીકારતાં સીજેપીએ
આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પ્રધાને પદ છોડયા બાદ સીજેપી સ્થાપક અભિજિત
દીપકેએ કહ્યું હતું કે, આ સરકારમાં રાજીનામાં ન થાય તેવું લોકો
કહેતા હતા, પરંતુ તમે ડરો નહીં, સરકારની
સામે નમો નહીં, તો આપ કોઇનું પણ રાજીનામું લઇ શકો છો. વર્ષ 2014માં પહેલીવાર મોદી સરકાર બન્યા બાદ 12 વર્ષના કાર્યકાળમાં ધર્મેન્દ્ર પ્રધાન એવા પહેલા
મંત્રી છે જેમને વિરોધનાં કારણે રાજીનામું આપવું પડયું છે.દરમ્યાન, 27 દિવસ સુધી અનશન આંદોલન છેડી ચૂકેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકે કહ્યું હતું
કે, આ લોકતંત્રની
જીત છે. શાંતિ, ધૈર્ય અને દૃઢતાની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપેલાં રાજીનામાંમાં
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસની ઘટનાઓથી મારું મન બેહદ દુ:ખી છે.પ્રધાને સ્પષ્ટપણે કહ્યંy હતું કે, આ મારા વ્યક્તિગત સન્માન કે પ્રતિષ્ઠાનો વિષય નથી,
પરંતુ દેશના યુવાનોનાં ભવિષ્યનો સવાલ છે. હું નથી ઇચ્છતો કે,
છાત્રોનું ભવિષ્ય કાનૂની વિવાદો અથવા રાજકીય ટકરાવોમાં અટવાઇ જાય કે,
તેમનું ધ્યાન અભ્યાસ પરથી ભટકે. આ જ ભાવના સાથે મેં પદ છોડયું છે,
તેવું તેમણે જણાવ્યું હતું. મોદીને સોંપેલા બે પાનાંના 575 શબ્દ સાથેના પત્રમાં પ્રધાને નોંધ્યું હતું કે, હું છેલ્લા ચાર દાયકા કરતાં
વધુ સમયથી છાત્ર, શિક્ષક, શિક્ષણ સુધાર
માટે સમર્પિત રહ્યો છું. જંતરમંતરમાં જે સ્થિતિ બની તેનો લાભ રાષ્ટ્ર વિરોધી તાકાતો
ન ઉઠાવે અને દેશની એકતા અખંડ રહે તેની કાળજી લઇને મેં રાજીનામું આપ્યું છે. ધર્મેન્દ્ર
પ્રધાને કહ્યું હતું કે, ત્રીજી માર્ચ, 2026ના નીટ-યુજી પરીક્ષામાં અનિયમિતતાની ફરિયાદ સામે
આવતાં સરકારે તરત કાર્યવાહી કરી અને તપાસ સીબીઆઇને સોંપી, પુન:પરીક્ષા લઇને સફળતાથી પાર
પાડી. તેમણે જણાવ્યું હતું કે, દેશના 20 લાખથી વધુ છાત્રની પરીક્ષા નિષ્પક્ષ અને સુચારુરૂપે
કરાવવી માર સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. 21 જૂનના ફરી પરીક્ષા લેવાઇ, 16 જુલાઇનાં પરિણામોમાં અનેક વંચિત પરિવારોના પ્રતિભાશાળી
છાત્રોને સફળતા મળી. - 2014 બાદ પાંચ વખત ઝૂકી નરેન્દ્ર મોદી સરકાર : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે
નીટ પેપર લીક વિવાદ વચ્ચે તેમનાં પદ પરથી રાજીનામું આપ્યું હતું. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ
આ પહેલો મામલો નથી જેમાં નિર્ણયો પર પીછેહઠ કરી હોય. - જમીન અધિગ્રહણ અધિનિયમમાં સુધારો (2015) : મોદી સરકારે 2015માં પાછા હટવું પડયું હતું, જ્યારે ખેડૂતોના ભારે વિરોધમાં
તેણે જમીન અધિગ્રહણ અધિનિયમમાં સુધારો પરત ખેંચવો પડયો હતો. - મી-ટુ આંદોલન અને એમ. જે. અકબરનું રાજીનામું (2018) : ઓક્ટોબર 2018માં `મી ટુ' ચળવળ દરમિયાન, તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબર
પર અનેક મહિલા પત્રકારોના જાતીય શોષણના આરોપ બાદ અકબરને રાજીનામું આપવું પડયું હતું.
- ત્રણ કૃષિ કાયદાની વાપસી (2021) : મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ
કાયદાને કિસાનોના ઉગ્ર આંદોલન બાદ પરત લેવા પડયા હતા. - યુપીએસસી લેટરલ એન્ટ્રી જાહેરખબર વાપસી (2024) : ઓગસ્ટ 2024માં કેન્દ્ર સરકારે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ દ્વારા લેટરલ એન્ટ્રીનું
વિજ્ઞાપન પરંતુ ખેંચ્યું હતું. - 131મા બંધારણીય સુધારા બિલ લાવવામાં આવ્યું નહીં
(2025) : નવેમ્બર 2025માં, કેન્દ્ર સરકારે બંધારણ (131 સુધારો) બિલ દ. ભારતના રાજ્યોના ભારે વિરોધ બાદ
રજૂ ન કરવાનો નિર્ણય કર્યો હતો. -
રાહુલે હવે અમિત
શાહ પર સાધ્યું નિશાન :
નવી દિલ્હી, તા. 25 : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ
ગાંધીએ માંગ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના યુવાનોની માફી માંગે. તેમણે
કહ્યું હતુ કે, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ
પર થયેલા પોલીસ હુમલા માટે ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે. વિદ્યાર્થીઓ સામેની આ હિંસા
માટે વડા પ્રધાન મોદીએ માફી માંગવી જોઈએ. ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું
કે, સૌ પ્રથમ, આ આપણા વિદ્યાર્થીઓનો વિજય
છે. આ તેમની સફળતા છે. તેઓ ભારતનું ભવિષ્ય છે. આપણી શિક્ષણ પ્રણાલી એક સમયે ગર્વનો
વિષય હતી. આખી દુનિયા માનતી હતી કે ભારતની શિક્ષણ પ્રણાલી ઉત્તમ છે. પરંતુ ઘણા વર્ષોથી,
તેના પર પ્રહારો થઈ રહ્યા છે. તેના પર કબજો જમાવીને તેનું ખાનગીકરણ કરવામાં
આવી રહ્યું છે. આપણી શિક્ષણ વ્યવસ્થા અંદરથી ખોખલી થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષના નેતાએ
કહ્યું હતું કે, `િવદ્યાર્થીઓની
બે વધુ માંગણીઓ હતી એ ભૂલવું ન જોઈએ. પહેલી માંગ એ છે કે વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા, તમામ લોકો સામે કાર્યવાહી થવી
જોઈએ, બીજું, આ બધું કરનારા મુખ્ય વ્યક્તિ
નરેન્દ્ર મોદીએ ભારતના વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ.'