વવાર, (તા. મુંદરા) (માણેક ગઢવી દ્વારા) : મેઘરાજાએ વિદાય લીધી, આ વખતે
મેઘરાજાએ બહુ વાટ જોવડાવી, પણ આખરે કહેવાય છે ને મોડો તોય મેઘો....! મુંદરા તાલુકાના વવાર ગામના ખેડૂત વિશ્રામભાઈ લધાભાઈ
ચોરાડા કહે છે કે, સતત ફૂંકાઈ રહેલા પવને આશા મૂકી દેવા મજબૂર
કરી દીધા હતા, પણ આ તો કુદરત છે. એ ધારે તે કરી શકે. જિંદગીમાં
મેં પહેલીવાર જોયું કે, સાવ આશા જ મૂકી દીધી હોય અને એક જ રાતમાં
સવારે ઊઠતાં તળાવ ભરાઈ ગયાં હોય. હવે જુવાર, એરંડા, તુવેરદાળ માટે તો અમૃત સમાન વરસાદ વરસી ગયો. ભલે, મોડા
વરસાદને કારણે તલ, કપાસ, મગ, ગુવાર જેવા પાકો ધારણા પ્રમાણેના નહીં આવે. તળાવ ભરાઈ ગયાં છે, એટલે શિયાળામાં
જીરું,ઘઉં, રાયડો જેવા પાકો સારા થશે. મુંદરા
તાલુકાના વડાલા ગામના યુવા માલધારી રૂપાભાઈ રામાભાઈ રબારી કહે છે કે, સાવ આશા જ મૂકી દીધી હતી. ભરચોમાસે સીમાડે નહીં પાણી, નહીં ઘાસચારો, પણ એક જ રાતમાં ચિત્ર પલટાઈ ગયું. અત્યારે
સીમાડે ઘાસમાં માંઘોળો, સાટાળો, જીંજવો,
છબ્બર, ડનઈ, રીંગણ જેવાં
ઘાસ ઊગી નીકળ્યાં છે. મોડા વરસાદને કારણે ભલે ઘાસચારો ઓછો ચાલશે, પણ કંઈ ન હતું એની જગ્યાએ શિયાળે ભેલાણ
મળી રહેશે. પશુઓને પાણી પણ ભરાઈ જતાં સીમાડે મોટી રાહત છે. ઇલિયાશભાઈ રાયશી પણ કહે છે કે,
આ વખતે તો ઓચિંતી લોટરી જ લાગી.
એ વિચાર જ અકળાવતો હતો કે, જો વરસાદ નહીં પડે તો ખોળ,
ભૂસાંના ભાવ આસમાને પહોંચશે અને ખવડાવવું જ પડશે. બિચારા અબોલને તો જોઈશે જ, એમાં તો કંઈ ફેર નહીં પડે.
મોડો તો મોડો કંઈ નહોતું એની જગ્યાએ અડધું વરસ પણ સારું થયું. સીમાડે તળાવો,
નદીઓ, ચેકડેમોમાં પાણી, લીલું
ઘાસ જોઈને એટલે જ માલધારીઓ કહે છે, `મોડો તોય મેઘો.'