ધોરડો, તા. 15 : આગામી રણોત્સવ 2026-27ના સુચારુ આયોજન માટે અને પ્રવાસીઓની
કચ્છના સફેદ રણ ધોરડોની મુલાકાતને વધુ સુવિધાસભર બનાવવા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાનાં
અધ્યક્ષસ્થાને રણોત્સવ જિલ્લા કોર કમિટીની મહત્ત્વપૂર્ણ બેઠક ધોરડો ખાતે યોજાઈ હતી.
રણોત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્રની વિવિધ ટીમોની જવાબદારીઓ અને કામગીરીઓ
અંગે વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના
વિઝનથી શરૂ થયેલા રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓની યાત્રા વધુ સુગમ અને સુવિધાસભર બને
તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા કલેક્ટરે અધિકારીઓને જણાવ્યું હતું. દેશ - વિદેશથી આવતા મહાનુભાવો અને પ્રવાસીઓની સુવિધા
માટે ટેન્ટસિટી અને ગેટ-વે ટુ રણ રિસોર્ટ ખાતે
ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. દિશાદર્શનમાં સફેદ રણ ધોરડો, રોડ ટુ હેવન તેમજ ધોળાવીરા સાઈટ માટે અલાયદી
ટીમો બનાવીને વહીવટીતંત્રના અધિકારીઓને સંકલનની જવાબદારી સોપવામાં આવી છે. વિશ્વભરના પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર બનેલા રોડ ટુ હેવન
અને ધોળાવીરા વિસ્તારના સુચારુ સંચાલન માટે રોડ ટુ હેવન અને ધોળાવીરા ટીમની રચના કરવામાં આવી
છે. ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં પ્રવાસીઓની
સુરક્ષાના હેતુથી સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. બેઠક દરમિયાન `રોડ ટુ હેવન' ખાતે પ્રવાસીઓ માટે ટ્રાફિક વ્યવસ્થા સહિતના
મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ એવા રણોત્સવ દરમિયાન
પર્યાવરણ જાળવણી થાય અને સ્વચ્છતા જળવાઈ એ બાબત પર ખાસ ભાર મૂકીને રાઉન્ડ ધ કલોક કામગીરી
કરવા કલેક્ટરે જણાવ્યું હતું. કોઈ પણ પ્રકારના અનધિકૃત દબાણો ન થાય તેની તકેદારી રાખવાની
કામગીરી તેમજ તપાસ દરમિયાન ધ્યાને આવે તો દબાણોને તાત્કાલિક દૂર કરવાની કામગીરી ઝડપથી
કરવા સંબંધિતોને જણાવ્યું હતું. રણોત્સવના
સુદૃઢ આયોજન માટેના માસ્ટર પ્લાનની સમીક્ષા કરી હતી. તેઓએ અવિરત બીએસએનએલ ઈન્ટરનેટ
સેવા, સેનિટેશન સુવિધાઓની મરંમત, કાયદો
અને વ્યવસ્થાની જાળવણી, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ,
એડવેન્ચર સ્પોર્ટ્સમાં જરૂરી સેફ્ટી નિયમોનું ચુસ્તપણે પાલન,
પ્રવાસીઓ માટે હેલ્પ ડેસ્ક અને તેમના યોગ્ય સૂચનોનું નિરાકરણ,
કનેક્ટિવિટી માટે રસ્તાનું નિર્માણ અને મરંમત, પ્રવાસીઓ માટે ઊંટગાડી સહિતના પરિવહનના નિયત ટિકિટ દરો, ઈલેક્ટ્રીક સપ્લાય, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે ચર્ચા
કરીને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સફેદ રણ વ્યૂ પોઈન્ટ, કલ્ચરલ
કાર્યક્રમ સ્ટેજ સહિત ક્રાફટ બજાર, ગેમ ઝોન વગેરે માટે નિયત જગ્યાઓની
મુલાકાત લઈને પ્રવાસીલક્ષી સુવિધાઓ જાળવી રાખવા જણાવ્યું હતું. એસટી નિગમ દ્વારા મુસાફરોના
વ્યૂ પોઈન્ટ સુધી આવાગમન અંગે વિસ્તૃત જાણકારી મેળવીને વ્યૂ પોઈન્ટ ખાતે ઉપલબ્ધ સુવિધાઓની
સમીક્ષા કરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક
વિકાસ સુંડા, અધિક કલેક્ટર પી.એલ. વિઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, પ્રાંત
અધિકારી મહેશ નાકિયા, અભિષેક પ્રમોદ તલે, નાયબ પોલીસ અધીક્ષક ડો. વિશ્વા શાહ, જિલ્લા પુરવઠા અધિકારી
વિવેક બારહટ, મામલતદાર તેજસ પટેલ, ભુજ એસટી નિગમના વિભાગીય નિયામક એન.એસ.
પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.પી. નાઈ,
ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયાં હુસેન, બોર્ડર
સિક્યોરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્ય, વન, ખેતીવાડી, પશુપાલન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.