ગાંધીધામ, તા. 15 : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી માળિયા સુધી આઠ લેન
અને વાગડમાં સૂરજબારીથી મેવાસા સુધી સિક્સલેન માર્ગ માટે કેન્દ્ર સરકાર દ્વારા માતબર
રકમ મંજૂર કરાયા બાદ આજે કેન્દ્ર દ્વારા કચ્છને રોડ માળખાકીય ક્ષેત્રે એક નવી ભેટ
આપવામાં આવી છે. હાલ કંડલા અને મુંદરા પોર્ટને જોડતા માર્ગને છ માર્ગીયમાં પરિવર્તિત કરવા માટે માતબર
રકમને મંજૂરી આપવામાં આવી છે. માર્ગનાં વિસ્તરણથી
કચ્છમાં બે મેગા પોર્ટ તરફ ભારે વાહનોની અવરજવર
સરળ અને ઝડપી બનશે. આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કચ્છ
અને ગુજરાતના સર્વાંગી વિકાસની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો
છે. નેશનલ હાઈ-વે 41 ઉપર કંડલા
અને મુંદરા પોર્ટ વચ્ચેના 57.80 કિલોમીટરના માર્ગને
છ માર્ગીય બનાવવામાં આવશે. આ માર્ગ અગાઉ ચાર માર્ગીય બનાવવામાં આવ્યો હતો અને
જે તે સમયે જ માર્ગને સિક્સલેનમાં પરિવર્તિત
કરવા માટે જમીનની જોગવાઈ રાખવામાં આવી જ હતી.
આ માર્ગના વિસ્તૃતીકરણ માટે આજે કેન્દ્ર સરકાર
દ્વારા 991.19 કરોડની રકમની મંજૂરી આપવામાં
આવી હતી. આ માર્ગ ઉપર દરરોજ પપ હજારથી વધુ પેસેન્જર કાર યુનિટ જેટલો ટ્રાફિક રહે છે, જેમાં
મોટા પ્રમાણમાં માલવાહક વાહનોની અરવજવર થાય
છે. માર્ગના વિસ્તરણથી ટ્રાફિક સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવા
ફ્લાય ઓવર, વાહનો માટે અંડરપાસ, અને મોટા નાના પુલોનું પુન:નિર્માણ કરાશે તેમજ અકસ્માતની
સંભાવના ધરાવતાં સ્થળોએ વિશેષ સલામતીનાં પગલાં
લેવામાં આવશે. આ મંજૂરી બદલ કચ્છના સાંસદ વિનોદભાઈ
ચાવડાએ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન
ગડકરી અને કેન્દ્ર સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દીનદયાળ પોર્ટ અને મુંદરા પોર્ટને
જોડતો આ માર્ગ કચ્છના આર્થિક વિકાસના કરોડરજ્જુ સમાન છે. આ બન્ને મહત્ત્વપૂર્ણ બંદરો
ઉપર ઉત્તરભારતના વેપાર, ઉદ્યોગ, કૃષિ,
લોજિસ્ટિક ક્ષેત્ર માટે પ્રવેશદ્વાર
તરીકે કાર્ય કરે છે. સાંસદે વધુમાં ઉમેર્યું
હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મુસાફરીના સમયમાં અંદાજે 20 ટકા જેટલો ઘટાડો થશે સાથે લોજિસ્ટિક ખર્ચ પણ ઘટશે અને બંદરો, ઉત્તરભારતના ઔદ્યોગિક, કૃષિક્ષેત્રો વચ્ચે માલ-સામાનની હેરફેર
વધુ કાર્યક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી કચ્છ દેશના અગ્રણી બંદર આધારિત લોજિસ્ટિક અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે મજબૂત બનશે તેમજ વડાપ્રધાનના
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આ પ્રોજેક્ટ મહત્ત્વનું યોગદાન આપશે.