ભુજ, તા. 5 : ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળ
દ્વારા આપવામાં આવેલા માસ સી.એલ. કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ 400 જેટલા કર્મચારીઓ તેમાં જોડાયા
હતા. કચ્છ જિલ્લા મહેસૂલી મંડળ વર્ગ-3ના પ્રમુખ એચ. એમ. જોશી, મહામંત્રી સી. એચ. કુરાણી, ઉપપ્રમુખ બી. એસ. ઠાકર અને
જે. કે. મોદી, સહમંત્રી નિખિલ ટાંક અને ડી. એલ. વાઘેલા તથા ખજાનચી
ચિરાગ ચાવડા તેમજ મંડળના સમાવિષ્ટ કચ્છ જિલ્લાના તમામ નાયબ મામલતદાર, કારકૂનો અને મહેસૂલી તલાટીઓ સહિત તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સી.એલ. કાર્યક્રમમાં
જોડાતાં મહેસૂલી કામગીરીને અસર પહોંચી હતી. મહેસૂલી કર્મચારીઓ વર્ષ 2012માં નાયબ મામલતદાર તરીકે નિમણૂક
થયેલ કર્મચારીઓને હાલ સુધી પ્રમોશન આપવામાં આવેલ નથી. તેઓને રિએડજસ્ટમેન્ટ તારીખ મુજબ
મામલતદાર સંવર્ગના પ્રમોશન આપવામાં આવે, નાયબ મામલતદારમાંથી મામલતદારના પ્રમોશનની સિનિયોરિટી યાદી તૈયાર કરી પ્રસિદ્ધ
કરવામાં આવે, કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓને
નાયબ મામલતદાર સંવર્ગમાં પ્રમોશન આપવા અંગેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે, વર્ષ 2023 અને 2025માં નાયબ મામલતદાર સંવર્ગમાં
આપવામાં આવેલ પ્રમોશનથી વતનના જિલ્લામાં જગ્યા હોવા છતાં 400 કિ.મી. દૂરના જિલ્લામાં પ્રમોશન
આપવામાં આવેલ જે અન્વયે તાત્કાલિક બદલી કરી વતનના જિલ્લામાં બદલી કરવા, નાયબ મામલતદાર સંવર્ગની બદલી ઓનલાઇન સિસ્ટમથી
પારદર્શી રીતે કરવા સહિતના 14 મુદ્દાઓ બાબતે લડત આદરી છે. આ તમામ મુદ્દે સરકારમાં અગાઉ રજૂઆત
કરવામાં આવી હોવા છતાં કોઇ નક્કર નિરાકરણ આવ્યું નથી. આ માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં
નહીં આવે તો આગામી તા. 7 ઓક્ટોબરથી
અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવી છે.