અંજાર, તા. 5 : અહીંની નગરપાલિકા દ્વારા દબાણ
હટાવ ઝુંબેશ અંતગર્ત શહેરના 12 મીટર રોડ, માલાશેરી, શાકમાર્કેટ
વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને દબાણકારોમાં
ભયનો માહોલ ફેલાયો હતો. બહાર આવેલી વિગતો અનુસાર પાલિકાની ટીમ દ્વારા ટેક્ટર સહિતનાં
સાધનો સાથે આજે બપોર બાદ દબાણ હટાવ કામગીરી
હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ટ્રાફિકને અડચણરૂપ દબાણો સામે તંત્રે ઘોંસ બોલાવી હતી.
આ કાર્યવાહી તળે ત્રણ દબાણ અને પાંચ જેટલી લારી કબજે લેવાઈ હતી. અતિક્રમણ દૂર કરવાની
કામગીરી વખતે સુધરાઈની ટીમ અને શાકભાજી વેચતા નાના વેપારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું
હોવાના અહેવાલ સાંપડયા હતા. સુધરાઈના મુખ્ય અધિકારી તુષાર ઝાલરિયા અને કચેરી અધિક્ષક
રશ્મિનભાઈ ભીંડેના માર્ગદર્શન તળે હાથ ધરાયેલી કામગીરી અંગે જાગીર શાખાના ઈન્સ્પેક્ટર
જિતેન્દ્રભાઈ પંડયાએ કહ્યંy હતું કે, આગામી તહેવારોમાં નાગરિકોને હાલાકી વેઠવી ન
પડે તે માટે આગામી દિવસોમાં અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. આગામી
દિવસોમાં તહેવારોનો પ્રારંભ થશે, ત્યારે શહેરની મુખ્ય બજાર,
ગંગાનાકાથી 12 મીટર રોડ, દેવળિયા
નાકા સહિતના વિસ્તારમાં ભારે ભીડ અને ટ્રાફિક સમસ્યા સર્જાશે. આ સ્થિતિમાં અહીં ટ્રાફિક
નિયમન માટે સ્થાનિક પોલીસતંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે અને આડેધડ પાર્કિંગ અને નિયમના ભંગ કરનારા સામે કાર્યવાહી
કરવામાં આવે તેવી સમયની માંગ છે.